દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 24.66 લાખનો મુદ્દામાલ કબ્જે : બુટલેગરની શોધખોળ
Rajkot,તા.30
શહેરની ભાગોળે આવેલ બામણબોર ચેકપોસ્ટ નજીકથી દારૂ ભરેલો ટ્રક પકડી ચોરખાનામાં છુપાવેલ 8552 બોટલ શરાબ સાથે ચાલક રઘુ દેવા ચાવડાને ઝડપી લીધો છે. પીસીબીએ રૂ.14.56 લાખનો દારૂ, ટ્રક,મોબાઈલ મળી રૂ.24.66 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મંગાવનાર ગોકુલધામના બુટલેગર વાલા બાંભવાની શોધખોળ શરૂ કરી છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા અને એમ જે હુણના માર્ગદર્શન હેઠળ પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક રાજકોટ આવવાના રસ્તે થી જીજે-03-બીવી-9485 નંબરનો ટાટા કંપનીનો ટ્રક પકડી ઝડતી કરતા ટ્રકની કેબિનમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી રૂ.૧૪,૫૬,૦૮૪ ની કિંમતના 8548 ચપલા તેમજ બે લીટરની શરાબની ચાર બોટલ મળી કુલ 8552 શરાબની બોટલ મળી આવી હતી.
બાદમાં પીસીબીએ ટ્રકના ચાલક રઘુ દેવાભાઈ ચાવડા (ઉ.વ. 26 રહે,રામાપીર ચોકડી પાસે, રૈયાધાર,રાણીમાં રુડીમાં ચોક નજીક, રાજકોટ) ને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે કેફિયત આપી હતી કે, દારૂનો જથ્થો પોતે ટ્રકમાં ચોરખાનું બનાવી ગોવા ખાતેથી લઈ આવ્યો હતો અને શરાબ ગોકુલધામ વિસ્તારમાં ગીતાંજલી સોસાયટીમાં રહેતા વાલાભાઈ હનુભાઈ બાંભવાએ મગાવ્યો હતો. જેથી પોલીસે ચાલકની અટકાયત કરી દારૂ, ટ્રક, મોબાઇલ મળી રૂ. 24,66,084 નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર વાલા બાંભવાની શોધખોળ શરૂ કરી છે.