Surendranagar,તા.20
સુરેન્દ્રનગર શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની નજીક રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. દરોડામાં દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી હાજર મળી ન આવેલા બે શખસો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના એ-ડિવીઝન પોલીસ મથકની નજીક અને જિલ્લા પંચાયત સામેની શેરીમાં એક ભાડાના મકાનમાં છેલ્લા ઘણા સમયથી ઈંગ્લીશ દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ એસએમસીની ટીમે દરોડો પાડયો હતો. જેમાં દારૂની ૧૦૫૧ બોટલ (કિં.રૂા.૩,૨૮,૫૭૩)કબજે કરી હતી. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી સલીમ સુલેમાનભાઈ મોવર તેમજ મકાન ભાડે રાખનાર એઝાઝ હાજીભાઈ મોટવાણી હાજર મળી ન હતા. એસએમસીની ટીમે બંને વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એ-ડિવીઝન પોલીસ મથક વિસ્તારની નજીક છેલ્લા ઘણા સમયથી ઈંગ્લી દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અંતે એસએમસીની ટીમે રેઈડ કરતા ફરી સ્થાનીક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે અને આ મામલે નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.