Gandhinagar,તા.21
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટની શરતોમાં સુધારો કરીને બહારનાં લોકોને પણ દારૂની મહેફિલ કરવાનો પરવાનો આપી દીધો છે. પહેલાં એવો નિયમ હતો કે, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીએ લિકર એક્સેસ પરમિટ લેવા માટે ‘રેકમન્ડિંગ ઓફિસરની ભલામણ જરૂરી હતી. પરંતુ હવે રેકમન્ડિંગ ઓફિસરને બાજુ પર મૂકી દેવાયા છે અને કર્મચારી પોતે ઓથોરાઈઝ્ડ ઓફિસરને અરજી આપીને લિકર એક્સેસ પરમિટ મેળવી શકશે. લિકર એક્સેસ પરમિટ ધરાવનારની સાથે દારૂ પીવા માટે 5 વિઝિટર્સને ટેમ્પરરી પરમિટ અપાશે તેથી એક સાથે 6 લોકોનું ગ્રૂપ સાથે બેસીને દારૂ પી શકશે.
હવે રેકમન્ડિંગ ઓફિસરની ભલામણ જરૂરી નથી એટલે કઈ કંપનીના કેટલા કર્મચારીએ પરમિટ કઢાવી તેનો કોઈ રેકોર્ડ કંપની પાસે નહીં હોય. ઓથોરાઈઝ્ડ ઓફિસરે કર્મચારી ગિફ્ટ સિટીમાં કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરીને પરમિટ આપવાની છે. પરંતુ એવી ચકાસણી વિના પણ લિકર એક્સેસ પરમિટ ઈશ્યુ કરી દેવાશે તો કોઈને ખબર નહીં પડે. દરેક પરમિટ પર 5-5 લોકોને બોલાવી શકાશે તેથી પંદર-વીસ એક્સેસ પરમિટ ભેગી કરીને 100થી વધુ લોકોની પાર્ટી કરવી હોય તો પણ કરી શકાશે.
ગુજરાત સરકારના ગૃહ ખાતાએ 15મી એપ્રિલ 2025ના રોજ બહાર પાડેલા આદેશ પ્રમાણે, ગિફ્ટ સિટીમાં દારૂ સર્વ કરવા માટે 30મી ડીસેમ્બર 2023ના રોજ બહાર પડાયેલા આદેશના શરત નંબર (10), (11) અને (14)માં સુધારો કરાયો છે. નવી શરત (10) પ્રમાણે, ગિફ્ટ સિટીની કંપનીમાં કામ કરતા કર્મચારીએ લિકર એક્સેસ પરમિટ મેળવવા માટે ઓથોરાઈઝ્ડ ઓફિસરને ફોર્મ-1 ભરીને મોકલવાનું રહેશે. ઓફિસર કંપનીમાં વિગતો સાચી છે તેની ચકાસણી કરશે અને વિગતો સાચી હશે તો લિકર એક્સેસ કાર્ડ આપશે.ગુજરાત સરકારે 2023ના ડીસેમ્બરમાં ગિફ્ટ સિટીમાં લિકર સર્વ કરવાની છૂટ આપી પછી દારૂની નદીઓ વહેશે એવી ધારણા હતી,પરંતુ એવું કશું થયું નથી. લિકર સર્વ કરવાની મંજૂરી મળી પછી 16 મહિનામાં ગિફ્ટ સિટીમાં 470 લિટર વાઈન, 3324 લિટર લિકર અને 19,195 લિટર બિયર વેચાઈ છે. આ વેચાણ બહુ ઓછું કહેવાય તેથી સરકારને ધારી આવક થઈ નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ગિફ્ટ સિટીમાં લિકરના ભાવ વધારે પડતા ઊંચા છે. તેના કરતાં અડધા ભાવમાં ગુજરાતમાં માંગો એ બ્રાન્ડ ઘેર બેઠાં મળી જાય છે તેથી ગિફ્ટ સિટીમાં બહુ માલ ખપતો નથી.
આ નિયમનો દુરૂપયોગ એ રીતે થશે કે, ગિફ્ટ સિટીમાં જે કર્મચારીઓએ લિકર એક્સેસ પરમિટ ના લીધી હોય તેમના નામે પણ બારોબાર પરમિટ બની જશે. પહેલાં લિકર એક્સેસ પરમિટ માટે રેકમન્ડિંગ ઓફિસર તરીકે કંપનીના એચઆર હેડ, પીઆરઓ કે બીજા કોઈ સીનિયર હોદ્દા પર બેઠેલા જવાબદાર અધિકારીની ભલામણ જરૂરી હતી. તેના કારણે કંપની પાસે પોતાના કેટલા કર્મચારીઓએ પરમિટ કઢાવી તેનો રેકોર્ડ રહેતો.