New Delhi,તા.24
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આજે (24મી ફેબ્રુઆરી) અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના 40 જેટલા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે (23મી ફેબ્રઆરી) સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલું ગ્રુપ હતું. અગાઉ અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 332 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ ત્રણ વિમાનો દ્વારા ઘણાં ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 332 ભારતીય નાગરિકોને અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત મોકલવામાં આવ્યા છે. લાખો ભારતીયો હજુ પણ અમેરિકામાં ગેરકાયદે રીતે રહે છે, અને આ દેશનિકાલ ઝુંબેશ આગામી મહિનાઓમાં ચાલુ રહી શકે છે.