Prayagraj,તા.25
પ્રયાગરાજના મહાકુંભનો આવતીકાલે મહાશિવરાત્રીનો દિવસ છેલ્લો હતો અને 13મી જાન્યુઆરીથી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાનુ સમાપન થશે તે પુર્વે મોટીમાત્રામાં ભાવિકો ઉમટવા લાગતા તંત્ર એલર્ટ બન્યુ છે.
મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ ઉપરાંત વારાણસી તથા અયોધ્યામાં પણ ભાવિકોનો મહાસાગર છલકાયો છે જેને પગલે વ્યવસ્થા સંભાળવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ નિયંત્રીત રહે તે માટે સુરક્ષા સહિતની ગોઠવણો કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા અયોધ્યા, વારાણસી, મિર્જાપુર સહિત તમામ ધાર્મિક જીલ્લામાં તંત્રને એલર્ટ રહેવાના આદેશ કરાયા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં એટલે કે સોમવાર સુધીમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 63 કરોડે પહોંચી ગયો હતો. સ્નાન કરનારાઓમાં ફિલ્મી સ્ટાર્સ પણ સામેલ થઈ ચૂકયા છે.
સોમવારે અક્ષયકુમાર, કેટરીના કેફ, પ્રીતિ ઝીંટાએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી. જયારે અનેક રાજનીતિક હસ્તીઓ પણ મહાકુંભમાં પહોંચી હતી. આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ છે. મહાકુંભમાં સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાશી તરફ જઈ રહ્યા છે. આ સ્થિતિમાં ત્યાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વધારવામાં આવી છે.
સાથે સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં મહા શિવરાત્રીના અવસરે શ્રદ્ધાળુઓની ભીડ જોતા 25થી27 ફેબ્રુઆરી સુધી વીઆઈપી દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે મહા શિવરાત્રીએ મોટી સંખ્યામાં વિભિન્ન અખાડાના સાધુ, સંતો અને નાગા સાધુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે. આ અવસરે નાગા અખાડા તરફથી શોભાયાત્રા કાઢીને દર્શન પૂજન કરવામાં આવશે. જેથી મંદિરના ગેટ નં.4 થી સામાન્ય લોકોનો પ્રવેશ બંધ થશે.
બધા જિલ્લા માટે એલર્ટ જાહેર: મહાકુંભ અને મહાશિવરાત્રીને લઈને ડીજીપીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો બધા રાજયમાંથી આવી રહ્યા છે, જે પ્રયાગરાજની સાથે સાથે અન્ય ધાર્મિક જિલ્લા જેમકે અયોધ્યા, વારાણસી, મિર્ઝાપુરમાં પણ દર્શન માટે જઈ રહ્યા છે, એટલે બધા જિલ્લામાં ખાસ સતર્કતા રાખવામાં આવે.આવતીકાલે મહાશિવરાત્રીએ મહાકુંભમાં અંતિમ સ્નાન માટે ફરી એક વખત માનવ સમંદર સર્જાવાની ગણતરીથી સરકાર-વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યુ છે. અંતિમ મુખ્ય સ્નાન માટે માર્ગદર્શિકા જારી કરી છે જે અંતર્ગત જે માર્ગોથી શ્રદ્ધાળુઓ આવે તેની નજીકના જ ઘાટ પર તેઓને સ્નાન કરવા- ડુબકી લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.
આ માટે ઝોનલ સ્કીમ લાગુ કરવામાં આવી છે અને આજથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મહાકુંભ ક્ષેત્ર નો-વ્હીકલ ઝોન તરીકે યથાવત રહેશે. અંતિમ સ્નાનમાં એક કરોડ ભાવિકો ઉમટે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.