આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અધિક જિલ્લા કલેકટર કેતકી વ્યાસે બોરસદની વાસદ ચોકડી નજીક આવેલી અંદાજિત ૧૬૮ ગુઠા જેટલી હિજરતી જમીનોને બિનખેતીમાં ફેરવી હોવાના આક્ષેપ બાદ તપાસમાં સરકારને મોટું આથક નુકસાન થયું હોવાનું ખુલ્યું હતું. બાદમાં ત્રણ અધિકારીઓના ખૂલાસા મંગાવાયા હતા. આ જમીનની ફાઈલ કલેક્ટર કચેરીમાંથી ગાયબ હોવાનું જાણવા મળતા તપાસ અધિકારી તરીકે મિતાબેન ડોડીયાની નિમણૂક કરાઈ હતી. જમીનનું રેકોર્ડ ન મળ્યા બાદ આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ આણંદ એલસીબીને સોંપાઈ હતી.
આણંદ કલેકટર કચેરીમાંથી બોરસદના બ્લોક સર્વે નંબરની ફાઈલ રેકોર્ડ શાખામાંથી ગુમ થવાના મામલામાં આજે સવારે આણંદ એલસીબી પોલીસની ટીમ કલેકટર કચેરીની રેકર્ડ શાખા ખાતે તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં એલસીબીના અધિકારીઓએ જે રજીસ્ટરમાં સહી કરીને કોઈ સરકારી કર્મચારી જમીનની ફાઈલ લઈ ગયો છે તે મુવમેન્ટ રજીસ્ટર કબજે લીધું હતું. સાથે સાથે જે તે સમય દરમિયાન ફરજકાળમાં હાજર કર્મચારીઓની વિગત પણ માગવામાં આવી છે. આ ઘટનાને લગભગ એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવાથી ઓફિસના સીસીટીવી કેમેરામાં પણ આ અંગે કોઈ રેકોર્ડ ન હોવાના કારણે તપાસનો વિષય અઘરો બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ તત્કાલીન જિલ્લા કલેકટરના અભદ્ર વિડિયોને વાયરલ કરવાના બનાવમાં દોષિત ઠરેલા તાત્કાલીન નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસના કોઈ મળતિયા દ્વારા જ આ ફાઈલ ગાયબ કરવામાં આવી હોવાની પણ ચર્ચાઓ કલેકટર કચેરી સંકુલમાં ચાલી રહી છે. સાથે ફાઈલ ગાયબ કરનાર કચેરીનો જ હોવાની પ્રબળ શકયતા જોવાઈ રહી છે.