Rajkot,તા.૨૦
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિંછીયા ખાતે પથ્થરમારાની ઘટનામાં પોલીસે કેટલાક યુવાનોની ધરપકડ કર્યા બાદ મામલો વધુ જટિલ બન્યો છે. કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ અલ્ટીમેટમ મુજબ, જો પાંચ દિવસમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ૨૫મી તારીખે ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિંછીયા ગામમાં ઘનશ્યામ રાજપરા નામના સ્થાનિક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે ઘટનાસ્થળનું રિકન્સટ્રક્શન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. દરમિયાન અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસે ૮૪ કોળી યુવાનોની ધરપકડ પણ કરી હતી, પરિણામે મામલો વધુ બિચક્યો હતો. અનુસંધાને કોળી-ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પોલીસને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે પોલીસ પર આરોપ મૂક્યો હતો કે પોલીસે કોળી સમુદાયના ૮૪ લોકોને ખોટી રીતે ફસાવ્યા છે. પોલીસે ખોટી રીતે તેમના પર લાઠીચાર્જ કર્યો છે અને ઢોર માર માર્યો છે. જયેશ ઠાકોરે અલ્ટીમેટમ આપતા જણાવ્યું કે, જો જવાબદાર પોલીસકર્મીઓને ૫ દિવસમાં સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ૨૫ જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન કરી વિરોધ કરવામાં આવશે.