New Delhiતા.01
બાર વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમવા મેદાને ઉતરેલો ભારતીય ટીમનો મહાન ખેલાડી વિરાટ કોહલી તેમાં પણ ફલોપ થયો હતો અને માત્ર 6 રન બનાવી શકયો હતો. ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓને ડોમેસ્ટીક ક્રિકેટ રમવાની પણ સૂચના આપી હતી.
વિરાટ કોહલી પણ રેલ્વે સામેના રણજી મેચમાં દિલ્હીની ટીમમાં સામેલ થયો હતો. મેચના આજના બીજા દિવસે દિલ્હીની બીજી વિકેટ ખડયા બાદ કોહલી મેદાને ઉતર્યો હતો ત્યારે આખુ સ્ટેડીયમ ‘કોહલી-કોહલી’ના નારાથી ગાજી ઉઠયુ હતું. પરંતુ પ્રશંસકોનો આ ઉત્સાહ લાંબો વખત ટકી શકયો ન હતો.
થોડી જ મીનીટોમાં કોહલી આઉટ થઈ જતા સ્ટેડીયમમાં સન્નાટો પ્રસરી ગયો હતો. તેણે 15 દડા રમીને એક ચોકકા સાથે માત્ર 6 રન બનાવ્યા હતા. હિમાંશુ સાંગ્વાને તેને કલીન બોલ્ડ કર્યો હતો. કોહલી આઉટ થતા સ્ટેડીયમ પર ખાલી થવા લાગ્યુ હતું.
આ મેચમાં રેલવેની ટીમે પ્રથમ દાવમાં 241 રન બનાવ્યા હતા. આજે દિલ્હીએ દાવ આગળ ધપાવ્યો હતો. પ્રેક્ષકોને કોહલીમાં જ રસ હોય તેમ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો હતો. પરંતુ આઉટ થતા સન્નાટો પ્રસરી ગયો હતો. સ્ટેડીયમમાં 10 હજારથી વધુ પ્રેક્ષકો હતા. કોહલી છેલ્લે 2012માં રણજી ટ્રોફી મેચ રમ્યો હતો.
વિરાટ કોહલી કેટલાંક વખતથી ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં 6 ઈનિંગમાં માત્ર 91 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં 9 ઈનિંગમાં 190 રન કર્યા હતા.
રણજી મેદાનમાં ઉતરેલા રોહિત શર્મા, શુભમન ગીલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ જેવા અન્ય સ્ટાર ખેલાડી પણ ફલોપ જ ગયા હતા તે ઉલ્લેખનીય છે.