Kerala ની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ત્યાંના એક નાગરિકની હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા

Share:

Kerala,તા.૩૧

કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ત્યાંના એક નાગરિકની હત્યાના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. ત્યાંના રાષ્ટ્રપતિ રાશિદ અલ-અલીમીએ પણ તેની અપીલને ફગાવી દીધી છે અને સજાને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિના આદેશ બાદ ૨૦૧૭થી જેલમાં બંધ નિમિષાને આગામી કેટલાક મહિનામાં ગમે ત્યારે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી શકે છે. તેના જવાબમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે તે યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સના કિસ્સામાં સંબંધિત વિકલ્પો શોધવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે યમનમાં સુશ્રી નિમિષા પ્રિયાને દોષિત ઠેરવવાથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાના પરિવાર સંબંધિત વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.’’ જયસ્વાલે મીડિયાના એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ’’સરકાર આ મામલે તમામ શક્ય મદદ કરી રહી છે.’’

યમનના રાષ્ટ્રપતિના નિર્ણય બાદથી ૩૬ વર્ષીય નિમિષા પ્રિયાનો પરિવાર તેને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યો છે. તેની માતા આ વર્ષની શરૂઆતમાં યમનની રાજધાની સના પહોંચી હતી અને ત્યારથી તે પોતાની પુત્રીને બચાવવાના અભિયાનમાં લાગેલી છે. તે પીડિતા સાથે બ્લડ મની અંગે વાત કરી રહી છે.

નિમિષા પર ૨૦૧૭માં યમનના નાગરિક તલાલ અબ્દુ મહદીની હત્યા કરવાનો આરોપ છે. એક વર્ષ પછી, સ્થાનિક કોર્ટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી. ત્યારથી તેનો પરિવાર તેની મુક્તિ માટે સંઘર્ષ કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૩માં સજાને યથાવત રાખી હતી અને હવે રાષ્ટ્રપતિએ પણ તેમની અપીલ ફગાવી દીધી છે. હવે તેમની મુક્તિ ત્યારે જ શક્ય છે જ્યારે પીડિત પરિવાર અને ત્યાંના આદિવાસી આગેવાનો તેમને બ્લડ મનીના બદલામાં માફી આપીને કેસ પાછો ખેંચી લે.

નિમિષા પ્રિયા વ્યવસાયે નર્સ છે અને કેરળના પલક્કડની રહેવાસી છે. તે ઘણા વર્ષોથી યમનની ખાનગી હોસ્પિટલોમાં કામ કરતી હતી. તેના પતિ અને સગીર પુત્રી નાણાકીય કારણોસર ૨૦૧૪ માં ભારત પરત ફર્યા હતા પરંતુ પાછા જઈ શક્યા ન હતા. તે જ વર્ષે, યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું અને તે પાછા ન જઈ શક્યા કારણ કે યમને નવા વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. યમનના નિયમો અનુસાર, ફક્ત સ્થાનિક નાગરિક જ ત્યાં ક્લિનિક અથવા બિઝનેસ ફર્મ ખોલી શકે છે, તેથી પ્રિયાએ મહદીની મદદથી સનામાં તેનું ક્લિનિક ખોલ્યું. યમનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં નિમિષા પ્રિયાએ કહ્યું હતું કે જ્યારે મહદી પ્રિયા સાથે કેરળ આવ્યો હતો ત્યારે તેણે પ્રિયાના લગ્નની તસવીર ચોરી લીધી હતી. યમન પાછા ફર્યા પછી, તેણે ક્લિનિકની બધી કમાણી લેવાનું શરૂ કર્યું. તેણે ક્લિનિકના દસ્તાવેજો પણ ખોટા કર્યા હતા. તેણે પ્રિયાના લગ્નના ફોટા સાથે છેડછાડ કરી અને તેને તેની પત્ની કહેવા લાગ્યો. બાદમાં તેણે તેને માર મારવાનું શરૂ કર્યું અને પ્રિયાના પાસપોર્ટ પણ પોતાની પાસે રાખ્યો.

૨૦૧૭માં, પ્રિયાએ મહદીની હરકતોથી કંટાળીને ક્લિનિકની નજીક સ્થિત જેલના વોર્ડન પાસે મદદ માંગી હતી. મહદી વિવિધ આરોપોમાં ઘણી વખત તે જેલમાં કેદ થઈ ચૂક્યો હતો. વોર્ડને તેને દવાનો ડોઝ આપીને તેનો પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કરવાનું સૂચન કર્યું. પરંતુ તેની અસર મહદી પર ન થઈ કારણ કે તે પહેલાથી જ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેથી, આગલી વખતે પ્રિયાએ ડ્રગ્સનો વધુ ડોઝ આપ્યો જેથી જ્યારે તે નશામાં હોય, ત્યારે તે તેની પાસેથી તેનો પાસપોર્ટ લઈ શકે, પરંતુ ડ્રગના ઓવરડોઝને કારણે, મહદીનું મૃત્યુ થયું. આ કેસમાં પ્રિયા જેલમાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *