New Delhi,તા.03
પાટનગર દિલ્હીની ધારાસભા ચૂંટણીઓમાં પરાજીત થયા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે પંજાબ સરકાર અત્યંત મહત્વની બની ગઈ છે. 2027માં પંજાબમાં ધારાસભા ચૂંટણી યોજાવાની છે અને તે ભગવંત માન સરકારની પ્રથમ કસોટી હશે. તે વચ્ચે લુધીયાણા વેસ્ટ- ધારાસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજયસભાના સીટીંગ સાંસદ સંજીવ અરોરાને ઉમેદવાર બનાવીને નવો તર્ક સર્જયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘આપ’ના સિટીંગ ધારાસભ્યના નિધનથી ખાલી પડેલી બેઠક પર રાજયસભાના સિટીંગ ધારાસભ્યને ચુંટણી લડાવવાથી ફાયદો શું તે પ્રશ્ર્ન પુછાઈ રહ્યો છે. જો સંજીવ અરોરા ચુંટાઈ આવે તો તેણે રાજયસભાની બેઠક ખાલી કરવી પડે તે નિશ્ર્ચિત છે અને રાજયસભામાં ફરી ચુંટણી યોજાય તો આ સલામત બેઠક પરથી અરવિંદ કેજરીવાલ કોને રાજયસભામાં મોકલવા માંગે છે તે પણ પ્રશ્ર્ન છે. ‘આપ’ એ ઉમેદવાર જાહેર કરતા એવી ચર્ચા સર્જાઈ કે ખુદ કેજરીવાલ રાજયસભામાં જવા માંગે છે.
તેઓ ધારાસભા ચુંટણીમાં પરાજીત થયા બાદ હવે તેમના માટે કોઈ પદ જરૂરી છે અને તેમાં ખુદ રાજયસભાના સભ્ય બની જશે પણ ‘આપ’ના પ્રવકતાએ તે નકારીને કહ્યું કે કેજરીવાલ રાજયસભામાં જઈ રહ્યા છે તે અહેવાલ ખોટા છે તો બીજુ નામ તેમના ડેપ્યુટી અને પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનું આવે છે જેઓ પણ ધારાસભા ચૂંટણી હાર્યા છે.
દિલ્હીમાં તેઓ અત્યાર સુધી નંબર ટુ હતા પણ હવે કેજરીવાલ બાદ આતિષીએ પહેલા મુખ્યમંત્રી બન્યા અને બાદમાં ચુંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા છે અને આમ હવે દિલ્હીમાં કેજરીવાલ પછી બીજો ચહેરો આતિષી બન્યા છે તો મનીષ સીસોદીયાને રાજયસભામાં મોકલી શકે છે.
ત્રીજો તર્ક એ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી નેતૃત્વ પરિવર્તન કરવા જઈ રહી છે અને હાલના મુખ્યમંત્રી ભગવંત માનને રાજયસભામાં મોકલી તેના સ્થાને નવા મુખ્યમંત્રી પસંદ કરશે. પંજાબમાં 2027ની ચુંટણીમાં શાસન વિરોધી મતો ખાળવા એ કેજરીવાલની ચિંતા છે. ભાજપ વધુ આક્રમક બનશે.
કોંગ્રેસ પણ હવે પંજાબ જે કેજરીવાલ તેની પાસેની આંચકી લીધુ હતુ એ પરત લેવા માંગે છે. આથી કેજરીવાલને પંજાબ બચાવવુ જરૂરી છે. દિલ્હી હવે દૂર છે. એક વખત ભાજપ સતા મેળવી પછી તે હવે દિલ્હી ખોવા માંગશે નહી.
આમ દિલ્હીના જંગ પંજાબમાં હવે ટ્રાન્સફર થયા છે તો વિના કારણે રાજયસભા બેઠક ખાલી કરાવાઈ નહી હોય તે નિશ્ર્ચિત છે. હવે એક વખત પેટાચૂંટણી જીત્યા બાદ જ તે અંગે કોઈ સંકેત મળશે. કેજરીવાલ પંજાબને બચાવવા કયાં ખેલ નાખે છે!
શું ખુદ પંજાબના સી.એમ. બનશે તેવી ચર્ચા હતી પણ તે તેનો એક એવો રાજકીય નિર્ણય હોઈ શકે છે. જે તેનો પ્રતિષ્ઠાને દાવ પર લગાડવા જેવા છે. દિલ્હી બાદ પંજાબમાં પરાજીત થાય તો પછી ‘આપ’ માટે વાવટો સંકેલવા સિવાય કોઈ વિકલ્પ રહે નહી અને ભાજપ તે જ કરાવવા માંગે છે.