Kapadvanj,તા.21
કપડવંજ નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે આનંદ પાર્ક સોસાયટીમાં ચાર દિવસથી ચારે બાજુ પાણીનો ભરાવો થઈ ગયો છે. પાણીની લાઈનમાં પડેલા ભંગાણનું રિપેરિંગ નહીં કરતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
કપડવંજ ડાકોર રોડ પર જીઈબી સામે આનંદ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા છેલ્લા ચાર દિવસથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ અંગે પાલિકામાં રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રિપેરિંગ કરવામાં આળસ કરી રહ્યું છે. ચાર દિવસથી સ્થાનિકોને સોસાયટીમાં પ્રવેશ કરવો પણ મુસ્કેલ બન્યો છે. વાહનો પણ કાદવમાં ફસાઈ જાય છે. સોસાયટીમાં પથરાયેલો ડસ્ટ પણ ચારેબાજુ પાણી ભરાવાથી રહ્યો નથી. વહેલી તકે પાણીની લાઈનું રિપેરિંગ કરી સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં કરાય તો પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ત્યારે સત્વરે રિપેરિંગ કરવા માંગણી ઉઠી છે.