Mumbai, તા.૭
એસ એસ રાજામૌલી મહેશબાબુ અને પ્રિયંકા ચોપરા સાથે મળીને એક જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલે છે. એવું પણ માનવામાં આવે છે કે આ ભારતીય સિનેમાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે તાજેતરમાં એવા અહેવાલો છે કે હવે રાજામૌલી આ ફિલ્મ એક જ ભાગમાં બનશે. બે ભાગમાં ફિલ્મ બનાવવાની વાતને રાજામૌલીએ ફગાવી દીધી છે.ફિલ્મ સાથે સંકળાયેલાં કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર રાજામૌલી માને છે કે ઘણા ફિલ્મ મેકર્સ આ એકથી વધુ ભાગમાં ફિલ્મ બનાવવાની બિનજરૂરી રીત અપનાવે છે. નાણાકીય લાભ ખાટવા માટે ફિલ્મને ગેરવ્યાજબી રીતે ખેંચીને લાંબી કરવામાં આવે છે. તેથી તેઓ એક જ ભાગમાં ભવ્ય ફિલ્મ બનાવવા માગે છે. પરંતુ આ ફિલ્મ ૩ કલાક અને ૩૦ મિનિટની હશે.એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં માઇથોલોજી, એડવેન્ચર અને ફિક્શનનું મિશ્રણ હશે. આ રાજામૌલીની અત્યાર સુધીની સૌથી મહત્વની ફિલ્મ હશે. ફિલ્મના મહત્વના સીન શૂટ થઈ ચૂક્યા છે. હજુ સુધી આ ફિલ્મ અંગે કોઈએ કોઈ પ્રકારની ઓફિશીયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. તો ફિલ્મની ટીમ દ્વારા શૂટની ફૂટેજમાંથી ૨ મિનિટનો વીડિયો તૈયાર થઈ રહ્યો છે, તેનાથી ફિલ્મ અનાઉન્સ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે રાજામૌલી આ ફિલ્મ માટે ઇન્ટરનેશનલ સ્ટુડિયો અને ફિલ્મ મેકર્સનો સંપર્ક કરી રહ્યા છે, જેથી ફિલ્મને વિશ્વકક્ષાએ રજૂ કરી શકાય. યોગ્ય સમયે ફિલ્મની ટીમ દ્વારા એક નિવેદન તૈયાર કરાશે. આ ફિલ્મના વિષય અંગે એવી ચર્ચા છે કે આ ફિલ્મ કાશી પર આધારીત છે અને આ ફિલ્મ ૨૦૨૭માં ઉનાળા સુધીમાં રિલીઝ થાય એવી શક્યતા છે. ૨૦૨૬ના મધ્ય ભાગ સુધી આ ફિલ્મનું શૂટિંગ ચાલશે. જ્યાં સુધી ફિલ્મની જાહેરાત નહીં થાય ત્યાં સુધી દર્શકો તેના વિશે ઉત્સુકતામાં રહેશે.