Junagadh, તા. 29
ગિરનાર ક્ષેત્રના ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજ અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે ચાલતા વિવાદમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. પ્રયાગરાજ ખાતે બે દિવસ પહેલા યોજાયેલી જુના અખાડા પરિષદની બેઠકમાં મહેશગીરી સહિત પાંચ સાધુઓને પ્રયાગરાજમાં પ્રવેશબંધી સાથે પદભ્રષ્ટ કરવાનો નિર્ણય લીધાનું સામે આવ્યું છે.
જુનાગઢ અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના દેહવિલય બાદ વિવાદ સાધુ સંતો વચ્ચે ગાદીને ચાલી રહ્યો છે. જેમાં ભવનાથના મહંત હરિગીરી મહારાજની ગેરકાયદે નિમણુંક મામલે મુખ્યમંત્રી સુધી મહેશગીરીએ ફરીયાદ કરી હતી. બાદ વિવાદ વધુ વકર્યો હતો. ત્યારબાદ મહેશગીરી બાપુની પણ મહંત પદની નિયુકિત મામલે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં ભારે ચર્ચાઓ જાગી હતી.
પ્રયાગરાજ જુના અખાડા ખાતે મળેલી બેઠકમાં મહેશગીરી બાપુ સહિત પાંચ સાધુઓને પ્રયાગરાજમાં પ્રવેશબંધી સાથે પદભ્રષ્ટ કરવાનો નિર્ણય લીધાનું સામે આવ્યું છે.
આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થવા પામી નથી. આગામી સમયમાં અખાડાના પ્રવકતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ અંગે મહેશગીરી બાપુનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન રિસીવ થવા પામ્યો ન હતો.