Jetpur,05
પોલીસે બન્ને અજાણ્યા શખસો સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી
જેતપુરમાં ગત રાત્રે કારખાનેદારના પત્નીના ગળામાંથી સોનાનો ચેઇન આંચકી ચેઈન સ્નેચરો ફરાર થઇ ગયા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ જેતપુર શહેરના જુના પાંચપીપળા રોડ, પટેલનગર – ૨માં રહેતા ભાવનાબેન ગીરીશભાઈ પાદરીયા (ઉં.વ.૫૩)એ અજાણ્યા શખ્સો સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું કે, મારે સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. મારા પતિ સાડીનું કારખાનુ ચલાવે છે. ગત રોજ તા.૦૩/૨ ના સાંજના સાડા છ એક વાગ્યાની આસપાસ હું તથા મારા પતિ ગીરીશભાઈ એમ બન્ને જણા અમારા કુટુંબી નંણંદના દિકરીના લગ્નમાં જેતપુર, નકલંક રોડ, વિવાહ પાર્ટી પ્લોટમાં અમારૂ એકસેસ મોટર સાઇકલ લઈને ગયેલ હતા.મેં મારા ગળામાં આશરે દોઢ તોલાનો સોનાનો ચેઇન જેમાં એક રૂઝાક્ષનો પારા વાળો પહેરેલ હતો. લગ્ન પુર્ણ કરી હું તથા મારા પતિ અમારા ઘર તરફ એક્સેસ મોટર સાઇકલ ઉપર જતા હતા ત્યારે આશરે રાત્રીના સવા નવેક વાગ્યે જુના પાંચપીપળા રોડ ઉપર આવેલ રવિ પાન નામની દુકાન પાસે પહોંચતા અમારી પાછળ એક ડબલ સવારમાં મોટર સાઈકલ આવેલ સાઇકલ ઉપર રહેલ બંને જણાએ હેલ્મેટ પહેરેલ હતા અને તેઓએ અમારી મોટર સાઇકલની બાજુમાંથી મોટર સાઇકલ ચલાવી બન્ને જણામાંથી કોઈ એક જણાએ મારા ગળામાં પહેરેલ સોનાનો ચેઇન દ્વાક્ષના પારા વાળો, મશીન બનાવટનો આચકો મારી, ઝુટવી ફુલ સ્પીડમાં મોટર સાઇકલ દિપાલી ડાઇંગ બાજુ ચલાવતા અમે અમારૂ મોટર સાઇકલ તેમની પાછળ કરેલ પરંતુ તેઓ હાથ આવેલ નહીં.વધુમાં ભાવનાબેને કહ્યું કે, મેં દેકારો કરતા આજુબાજુમાંથી માણસો પણ ત્યાં રોડ ઉપર આવેલ હતા પરંતુ આ મોટર સાઇકલ વાળા શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મોટર સાઇકલના ચાલકે પટ્ટા વાળુ આખી બાયનુ ટી-શર્ટ પહેરેલ હતું. બન્નેએ હેલ્મેટ પહેરેલ હોય જેથી તેઓના મોઢા જોય શકાયેલ નથી. બાઈક નંબર પણ જોય શકાયેલ નથી. પોલીસે બે અજાણ્યા બાઈક સવાર આરોપીઓ સામે સોનાના દોઢ તોલા ચેઇનની ચિલઝડપનાં ગુનો દાખલ કરી રૂ.૪૫૦૦૦નું ચેઈન ઝૂટવી નાસી જનાર બેલડીની શોધખોળ હાથ ધરી છે.