ગામના લોકોની હાજરીમાં બંને ટાટિયા ભાંગી નાખીશ કહી વ્યાજંકવાદીએ ધમકી આપી
Jasdan,તા.18
જસદણના સાણથલીમાં રહેતા વેપારીને એક લાખ રૂપિયા આપી ધમકી આપી બે ચેક અને હોન્ડા સીટી કાર પડાવી લેનાર વ્યાજખોર યુવરાજ વાળા વિરુદ્ધ આટકોટ પોલીસમાં ગુનો નોંધાયો છે.
જસદણ તાલુકાના સાણથલીમાં રહેતા 47 વર્ષીય વેપારી અશ્વિનભાઇ બાબુભાઇ વોરાએ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, . દોઢ વર્ષ પહેલા મારે પૈસાની જરૂરીયાત ઉભી થતા મે અમારા ગામના રણજીતભાઇ વાળાને એક લાખ રૂપિયા લેવા અંગે વાત કરતા તેણે તેના ભત્રીજા યુવરાજ બાબુભાઈ વાળાનો સંપર્ક કરવા જણાવતા મે મોબાઈલ નંબર મેળવી વોટ્સઅપ કોલ કરી એક લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું જણાવતા તેણે 10% વ્યાજ આપવાની શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. સિક્યોરિટી પેટે યુવરાજે એક કોરો ચેક સહી કરાવી લઇ લીધેલ હતો. બાદ ત્રણ માસ સુધી ગુગલ પે મારફત કુલ 30 હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા હતા. દિવાળી સમયે રૂ. 50 હજારની રકમ ભરી ચેક યુવરાજને આપેલ હતો. પરંતુ મારા ખાતામાં કોઇ રૂપિયા ન હોય જેથી યુવરાજે ચેક બેન્કમાં વટાવેલ ન હતો. બાદ ચારેક મહીના પહેલા યુવરાજે મને ગામના સ્મશાન ખાતે બોલાવી તમે મારા રૂપિયા અથવા તમારી ફોરવ્હીલ આપી દયો તેમ કહેલ હતું. જેથી મે કહેલ કે, હાલ મારી પાસે રૂપિયાની કોઇ સગવડતા થાય તેમ નથી. બાદ યુવરાજે ધમકી આપી હતી કે, તારે મારા રૂપિયા અથવા તારી ફોરવ્હીલ મને આપવી પડશે નહીતર હું તારા ગામ વચ્ચે ધજાગરા કરીશ અને ગામ વચ્ચે જ તારા ટાટીયા ભાંગી નાખીશ. જેથી ગભરાઈને મે જીજે-03-એમએચ-9526 નંબરની મારી હોન્ડા સીટી કાર યુવરાજને આપી દીધેલ હતી. જે બાદ હેલ્થકેરની દવાનું વેચાણ કરતા વેપારીએ યુવરાજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે મની લેન્ડિંગ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વ્યાજખોરની શોધખોળ શરૂ કરી છે.