Jasdan, તા.27
જસદણ-વિંછીયા તાલુકાના તળપદા કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જસદણ-વિંછીયા તાલુકાના તળપદા કોળી પટેલ સમૂહલગ્ન સમિતિ તેમજ યુવા સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો.
જેમાં 1650 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે સૌએ સાથે મળીને શિક્ષણ અને કૌશલ્ય વિકસાવવાની દિશામાં કાર્ય કરતા રહેવું પડશે. સાથોસાથ એમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે શિસ્ત, સંયમ, સંઘર્ષ અને સમયબદ્ધતા દરેક વિદ્યાર્થી માટે જીવનમાં સફળતાના દ્વારા ખોલી શકે છે.
જસદણ અને વીંછિયા તાલુકામાં શિક્ષણનું સ્તર સુધરે એ માટે પોતે રાત દિવસ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે તાલુકામાં આખા રાજ્યમાં સૌથી વધુ આશ્રમશાળાઓ અસ્તિત્વ ધરાવે છે અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નિર્માણ પામવા જઈ રહી છે.
આ ઉપરાંત જસદણ ખાતે સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ, વિંછીયા ખાતે આઇ.ટી.આઇ. વગેરે જેવી નવી સંસ્થાઓ યુવાનોને અભ્યાસ અને રોજગારીના નિર્માણમાં મદદરૂપ થશે. આગામી દિવસોમાં તાલુકામાં સરકારી વેટરનરી કોલેજ, સરકારી સામાન્ય પ્રવાહ કોલેજ તેમજ સરકારી ઇજનેરી કોલેજ મંજૂર થાય એ માટે પોતે કાર્યરત છે. અંતમાં એમણે આગામી વર્ષે 13 અને 15 ફેબ્રુઆરી એ યોજાનાર સમૂહલગ્નોમાં પણ સર્વેને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો હતો.