Jamnagar તા ૧,
જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને આજે વહેલી સવારથી ખોડીયાર કોલોની વિસ્તારમાં ૮૦ ફુટ રોડ પર ખડકી દેવાયેલા ઝુપડા, મકાનો સહિતના દબાણો હટાવીને આશરે ૨૦ કરોડ ૫૦ લાખની કિંમતની ૩૩ હજાર ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યાને ખુલ્લી કરાવી દેવામાં આવી છે. જેમાં ભારે પોલીસ ગોઠવવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની ઝૂંબેશ માં ચલાવાઇ રહી છે, ત્યારે ગઈકાલે એક દિવસના વિરામ બાદ આજે ફરીથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ સિલિડ વેસ્ટ શાખાની ૬૦ થી વધુ કર્મચારીઓની ટુકડી વહેલી સવારથી ખોડીયાર કોલોની ૮૦ ફુટ રોડ પર હિન્દી સ્કૂલની બાજુએ ના વિસ્તારમાં પહોંચી હતી.
જ્યાં મહાનગરપાલિકાની અતિ કીમતી જમીન કે જેની અંદાજે કિંમત ૨૦ કરોડ ૫૦ લાખ થવા જાય છે, અને તે ૩૩,૬૬૦ ફૂટ જેટલી જગ્યા છે. જેના ઉપર બે પાકા મકાનો બનાવી લેવામાં આવ્યા હતા, તેમજ આઠ જેટલા ઝુપડા અને પશુઓના વાડા વગેરે ખડકી દેવાયા હતા. જે સરકારી જગ્યા ખાલી કરી લેવા માટે આજે ભારે પોલીસ ની હાજરીમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં બે જેસીબી મશીન, અને ૮ ટ્રેક્ટરની મદદથી જગ્યા ખુલ્લી કરાવી દેવાઇ છે, આ કાર્યવાહી સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા.