Jamnagar તા ૬
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી એક વકોલેજીયન યુવતીએ પોતાના પેટના દુખાવાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતી અને મહેસાણા ની એગ્રીકલ્ચર કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ભાર્ગવીબેન મહેશભાઈ સાવલિયા નામની ૨૦ વર્ષની કોલેજીયન યુવતીએ કોલેજમાં રજા દરમિયાન પોતાના ઘેર આવ્યા પછી ગત આઠમી તારીખે પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એક મહિનાની સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા મહેશભાઈ દામજીભાઈ સાવલિયા એ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઇ. ડી.ડી. જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને કોલેજીયન યુવતીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ દરમિયાન તેણીને છેલ્લા બે માસથી સતત પેટમાં દુખાવો રહેતો હતો, અને તેની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.