Jamnagar તા. ૧૬
બ્રાહ્મણ સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા નું પ્રતિ વર્ષે જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. શ્રી પરશુરામ જયંતી નિમિત્તે આગામી શોભાયાત્રાના આયોજન માટે તારીખ ૧૩ને રવિવારે રાત્રે ૯-૩૦ કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષ જોષી, સૌ.-કચ્છ બ્રહ્મ સમાજના કારોબારી સભ્ય નયન વ્યાસ, શહેર બ્રહ્મ સમાજના મહામંત્રી હિરેન કનૈયા, જિલ્લાના મહામંત્રી ભાસ્કર જોષી, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત યુવા પાંખના જસ્મિન ધોળકિયા, ચિરાગ અસ્વાર, જનક ખેતિયા અને વિમલ જોષી ની ઉપસ્થિતિમાં આયોજીત આ બેઠકમાં મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તેમજ આગામી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિશાળ સંખ્યામાં બ્રહ્મસમાજના ભાઈઓ- બહેનો-બાળકો જોડાયા હતા. ઉપસ્થિત તમામે એક અવાજે શોભાયાત્રામાં તન-મન-ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી.
સમગ્ર શોભાયાત્રા નું સૂકાન સૌ પ્રથમ વખત મહિલાઓ ને સોંપવામાં આવ્યું છે, અને મનિષાબેન સુંબડ ને સમગ્ર શોભાયાત્રા ના કન્વીનર તરીકે જવાબદારી સોપવામાં આવી છે. ઉપરાંત સહ કન્વીનર તરીકે બ્રહ્મ સમાજના ત્રણ અગ્રણી મહિલાઓ જાગૃતિબેન ત્રિવેદી, મીનાબેન જ્યોતિષી તેમજ વૈશાલીબેન જોષી ની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓની આગેવાનીમાં શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવી રહયું છે.