Jamnagar,તા.30
જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં રહેતા બે ભાઈઓએ હાઉસિંગ લોનની પતાવતના મામલે ખાનગી ફાઈનાન્સની કંપનીમાં હંગામો મચાવી તોડફોડ કરી લૂંટ ચલાવી હતી, જ્યારે ફરજ પર હાજર રહેલા કર્મચારીને મારકૂટ કરી હતી. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસમાં દિવ્યરાજસિંહ જાડેજા અને તેના ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી. ઉપરોક્ત ફરિયાદના પ્રકરણમાં બંને ભાઈઓ ફરાર છે, તે દરમિયાન એક ભાઈ દિવ્યરાજસિંહ જાડેજાએ ફરી હંગામો મચાવ્યો હતો.
લાલ બંગલા વિસ્તારમાં સ્વસ્તિક એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલી ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ગઈકાલે તેનું કામ સંભાળતા કર્મચારી હાર્દિકભાઈ કાથડભાઇ લૈંયા ઓફિસ ખોલીને હાજર હતા, તે દરમિયાન આરોપી દિવ્યરાજસિંહ જાડેજા ફરી ધસી આવ્યો હતો, અને અમારા ઉપર ફરિયાદ શું કામ નોંધાવી છે. અને ફરીથી ઓફિસ ખોલશો તો પતાવી નાખીશ તેવી ધમકીઓ આપી હતી અને 9 લાખ રૂપિયાની હાઉસિંગ બાકી લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરી નાખવા દબાણ કર્યું હતું. જેથી માંગલો ફરીથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને દિવ્યરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.