Sri Harikotta,તા.16
ભારતને અવકાશ સંશોધનમાં એક બાદ એક નવી સફળતા અપાવી રહેલા ઈન્ડીયન સ્પેસ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ- ઈસરોએ હવે આગામી સમયના ચંદ્રયાન-4થી ગગનયાન સહિતના મિશન માટે મહત્વના ‘સ્પેડેકસ’ મીશનમાં જબરી સફળતા મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર ભારત એ અમેરિકા-રશિયા-ચીન પછી ચોથુ રાષ્ટ્ર બન્યુ છે. સેટેલાઈટ ડોકીંગ પ્રક્રિયા એ અત્યંત જટીલ અવકાશી સાહસ છે.
સેટેલાઈટ ડોકીંગ એ ઝડપથી ગતિ કરતા બે અંતરીક્ષ વાતો (સ્પેસ ડ્રાફટ)ને એક જ કક્ષામાં લાવવાની પ્રક્રિયા છે. જે બન્ને ધીમે ધીમે પાસે આવે છે અને અંતે બન્ને એક બીજા સાથે જોડાઈ જાય છે. અનેક અંતરિક્ષ મિશન પુરા કરવા આ પ્રકારની સફળતા મેળવવી જરૂરી છે.
ભારતના બે ઉપગ્રહોને એક જ ભ્રમણકક્ષામાં લાવ્યા બાદ પહેલા બન્નેને 15 મીટર બાદમાં 3 મીટરના અંતરે નજીક નજીક લવાયા હતા અને અંતે બન્ને એકબીજા સાથે જોડાઈ ગયા હતા. આ અંગેની વિડીયો પણ ટુંક સમયમાં જાહેર કરાશે. અગાઉ તા.7 અને 9 જાન્યુ.ના બે વખત આ ડોકીંગ કામગીરીમાં સમસ્યાઓ ઉભી થઈ હતી. બન્ને સેટેલાઈટ તા.30 ડીસેમ્બરે લોન્ચ કરાયા હતા.
ગઈકાલે ફરી આ પ્રયાસ શરૂ કરાયો જે સફળ રહ્યો છે. ઈસરોના નવા વડા તરીકે વી.નારાયણમૂર્તિની નિયુક્તિના 48 કલાકમાં જ આ સફળતા મળી છે. ચંદ્રયાન-4 જે ભવિષ્યમાં રવાના થવાનુ છે તેને ચંદ્ર પર સેમ્પલ લઈને ભારત પરત લાવવાનો કાર્યક્રમ છે. જેમાં ચંદ્ર પર ઉતારનાર યાનને પરત લાવવા માટે ચંદ્રની આસપાસ ફરતા મુખ્ય યાન સાથે તે જોડાય તે પ્રક્રિયા થશે અને ભવિષ્યમાં ચંદ્ર પર માનવ ઉતરાણમાં પણ આ પ્રક્રિયા મહત્વની બની જશે.
ઈસરોએ અગાઉ એસડીએકસ 01, અને એસડીએકસ 02 એમ બે ઉપગ્રહ લોન્ચ કર્યા હતા અને બન્ને વચ્ચે 20 કી.મી.નું અંતર રાખ્યુ હતું અને બાદમાં તેમને તબકકાવાર નજીક લાવવામાં આવ્યા હતા અને બાદમાં આખરી ડોકીંગ કરાયુ હતું. ડોકીંગ બાદ બન્ને ઉપગ્રહ વચ્ચે ઈલેકટ્રીક વાદની સપ્લાય કરવામાં આવી હતી અને બાદમાં તેને અનડોક કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.