Odisha, તા.7
ઓરિસ્સાનાં પારાદીપ બંદરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેટી નં.1 માં ‘માતા-પિતા આર્શીવાદ’ નામની બોટમાં આગ લાગી હતી.જે જોતજોતામાં અનેક બોટોમાં ફેલાઈ હતી. આગ દરમ્યાન બોટોમાં રહેલા ગેસ સિલીન્ડરમાં પણ વિસ્ફોટ થવા લાગ્યા હતા અને 17 જેટલી બોટો આ આગમાં ખાખ થઈ ગઈ હતી.
આગ બુઝાવવા માટે 13 જેટલી ફાયર બ્રિગેડ ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો. આગ બુઝાવવા દરમ્યાન એક ફાયર કર્મી દાઝી જતાં તેને સારવાર માટે અક્ષરબંકી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બોટમાં રસોઈ બનાવતી વખતે રાંધણગેસ લિકેઝ થતા આગ લાગી હતી. બધી નાવોમાં ડીઝલ અને ગેસ ટેન્ક હોય છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
આગના કારણે 10 થી વધુ ગેસ ટેન્ક ફાટી ગયા હતા.ઘટના સ્થળે પોલીસ ઉપરાંત ઓડીઆરએએફની ટીમ પહોંચી ગઈ હતી. સદભાગ્યે આગના આ બનાવમાં જાનહાની નથી થઈ પણ 17 જેટલી બોટો સળગીને ખાખ થઈ હતી.