Washington,તા.૩
ભલે પશ્ચિમી દેશો ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમથી ચિંતિત હોય અને તેના પર મધ્ય પૂર્વને અસ્થિર કરવાનો આરોપ લગાવી રહ્યા હોય. પરંતુ, ઈરાન પર આની કોઈ અસર દેખાતી નથી. ઈરાને દુનિયા સમક્ષ એક નવી બેલિસ્ટિક મિસાઈલ રજૂ કરી. પોતાની નવી મિસાઈલ અંગે ઈરાને કહ્યું કે તે ૧૭૦૦ કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. આ મિસાઇલનું અનાવરણ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની હાજરીમાં આયોજિત એક સમારોહમાં કરવામાં આવ્યું હતું.
રાજ્ય ટેલિવિઝન પર મિસાઇલની છબીઓ પ્રસારિત કરવામાં આવી હતી, જેને એતેમાદ અથવા ફારસી ભાષામાં “વિશ્વાસ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ મિસાઇલની મહત્તમ રેન્જ ૧,૭૦૦ કિલોમીટર (૧,૦૫૬ માઇલ) છે અને તે ઈરાની સંરક્ષણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સૌથી તાજેતરની બેલિસ્ટિક મિસાઇલ છે. તે ઈરાનના મિસાઈલ શસ્ત્રાગારમાં નવીનતમ છે અને ઈઝરાયલ પર પ્રહાર કરવામાં સક્ષમ છે.
“રક્ષણ ક્ષમતાઓ અને અવકાશ તકનીકોના વિકાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ દેશ ઈરાની પ્રદેશ પર હુમલો કરવાની હિંમત ન કરે,” ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું. એ પણ નોંધનીય છે કે તેહરાને તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે, જે દાયકાઓથી પશ્ચિમી દેશો સાથે તણાવનું કારણ રહ્યું છે.
એક સમય હતો જ્યારે ઈરાનને તેના મોટાભાગના લશ્કરી સાધનો અમેરિકા પાસેથી મળતા હતા, પરંતુ ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકા સાથે ઈરાનના સંબંધો બગડ્યા જેના કારણે તેને જાતે જ શસ્ત્રો વિકસાવવાની ફરજ પડી. ૧૯૮૦ થી ૧૯૮૮ દરમિયાન ઇરાક સાથેના યુદ્ધ દરમિયાન શસ્ત્ર પ્રતિબંધ હતો. ઈરાન પાસે હવે સ્થાનિક રીતે વિકસિત શસ્ત્રોનો મોટો ભંડાર છે, જેમાં મિસાઈલ, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ડ્રોનનો સમાવેશ થાય છે.