Rajkot,તા.05
તાજેતરમાં જ બીઝેડ કૌભાંડ બાદ રાજકોટથી ક્રિપ્ટો કરન્સીના નામે 43 અરજદારો સાથે રૂ. 2.69 કરોડની છેતરપિંડી આચરી લેવાયાનો અહેવાલ ‘અબતક’ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જે મામલે હજુ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણું વળતર મેળવવાની લાલચ આપી બે ભેજાબાજોએ રૂ. 5 કરોડથી વધુની છેતરપિંડી આચરી લેવાયાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. કરણસિંહજી રોડ પર ઓફિસ ચાલુ કરીને આ કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે.
સમગ્ર કૌભાંડ મામલે રેલનગરના આસ્થા ચોક નજીક આવેલ જય અંબે એપાર્ટમેન્ટમાં રહેતા અને બેંક ડીએસએ લોનનું કામ કરતા વિજય મનહરલાલ વાછાણીએ પોલીસ કમિશ્નરને સંબોધી કરેલી અરજીમાં મિલન ધનજીભાઈ ચાવડા(રહે. બ્લોક નંબર 9, જયગીત સોસાયટી-1, રેસકોર્સ પાછળ, રાજકોટ) અને ઈરફાન ઉમરાખાન પઠાણ(રહે ફ્લેટ નંબર બી-405, નરશી મહેતા ટાઉનશીપ, કુવાડવા રોડ, રાજકોટ)નું નામ જણાવ્યું હતું કે, તેઓ ડીએસએ લોનનું કામ કરતા હોવાથી ગત તા. 5-10-2021ના રોજ મિલન ધનજીભાઈ ચાવડાનો સંપર્ક થયો હતો. મિલન ચાવડા મોર્ગેજ લોન કરવા આવેલ હતો
મિલન ધનજીભાઈ ચાવડાએ તેના ક્રિપ્ટોના પ્લાન અંગે સમજાવતા હું તેના પ્રોજેકટ માં માર્ચ ૨૦૨૩ થી જોડાયા પછી મે મારા નજીકના કુટુંબી લોકો તથા વેપારી મિત્રો તથા હું જે તે બેન્ક માં કામ કરતો તેવા અધિકારીઓ પાસેથી રૂપિયા ૭૨ લાખનું રોકાણ કરાવેલ હતું. તથા મારા સિવાયના બીજા ફરિયાદી દ્વારા પણ રોકાણ કરાવવામાં આવ્યું હતું જે રકમ રૂ. 5 કરોડ થવા પામે છે.
માલિક મિલન ધનજીભાઇ ચાવડા અને તેના પાર્ટનર ઇરફાન ઉમરાખાન પઠાણએ રાજકોટ તથા નજીકના શહેરમાંથી ૫૦ મહિના માટે દર મહિને ૬% વળતરની લાલચ આપીને રૂપિયા ૫ કરોડની મેટાબ્લોક ઇન્ટરચેઇન ઇવોલ્યુશન નામથી ક્રિપ્ટો ટોકન બહાર પાડી છેતરપિંડી કરેલ છે.ફૈઝાન બુખારીના રેફરેન્સથી તેમના મિત્ર જોહેબ અયુબ સલતે રૂપિયા ૧.૧૫ કરોડ, વિજય મનહરલાલ વાછાણીએ મિત્રો અને કૌટુંબિક પાસેથી લીધેલા રૂ. 72 લાખ, જુબેર બાદીએ રૂ. 80 લાખ, ઉવેશ બાદીએ રૂ. 40 લાખ, ડૉ. પરેશભાઈ રાંકએ રૂ. 10 લાખ, નિરવભાઈ મોલીયાએ રૂ. ૧ લાખ અને કલ્પેશભાઈ સંખરવાએ રૂ. ૫૦,૦૦૦ એમ કુલ રૂ. 3,18,50,000નો આંકડો લેખિતમાં રજૂ કરવામાં આવ્યો છે.