March 8, International Women’s Day

Share:

તું નારી છે, તું શક્તિ છે

મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે 

“International Women’s Day” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “International Women’s Day” ઉજવવામાં આવ્યો હતો. તેમા ‘સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.  ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન થતી હતી. એ વખતે પુરા એક વર્ષ તેમની હડતાલ ચાલુ રહી હતી, પરંતુ દુર્ભાગ્યે  તેમને સાંભળનારુ કોઈ નહોતું. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ ‘સોશ્યાલિસ્ટ પાર્ટી’એ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. બીજી બાજુ રૂસમાં ઈ.સ. 1913માં ફેબ્રુઆરી મહિનાનાં અંતમાં પહેલીવાર “International Women’s Day”ની ઉજવણી થઈ. મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચનાં રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં પણ “International Women’s Day” ઉજવવાનો પાયો નખાયો. સન 1975માં જયારે આ દિવસને વૈશ્વિક સ્તર પર માન્યતા મળી ત્યારે પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ International Women’s Day સેલિબ્રેટ કર્યો હતો. તેના એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિનાના રૂપમાં માન્યતા આપી ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975માં ઉજવણી શરૂ કરી ત્યારથી “International Women’s Day”ને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે. આ દિવસ ઉજવવાનો મુખ્યત્વે મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે વિશેષ સ્નેહ પ્રગટ કરવા માટે ઉજવાય છે.

“International Women’s Day” વિશ્વની તમામ મહિલાઓનાં સન્માન કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આજે ભારતમાં ગીતા ગોપીનાથ, હીમા દસ, મેરી કોમ, અવની ચતુર્વેદી, કિરણ મઝુમદાર, ઈન્દ્રા નુઈ, રીચા કર, વંદના લુથરા, ફાલગુની નાયર, વાણી કોલા, નિર્મલા સીતારામન વગેરે સ્ત્રીઓએ વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધીને સાબિત કરી દીધું છે કે મહિલાઓ ઈચ્છે તો કોઈ પણ કાર્ય કરી શકે છે. આજે જ્યારે આ દિવસ સમાજમાંરાજકારણમાં તેમજ અર્થશાસ્ત્રમાં મહિલાઓએ કરેલી પ્રગતિની ઉજવણીનું પ્રતીક બની ગયો છે ત્યારે એવું કહી શકાય કે સ્ત્રીઓ જેટલી પગભર થઈ છે તેટલી જ અસુરક્ષિત પણ થઈ છે. એકતરફ વિશ્વમાં International Women’s Day ઉજવાય છે તો બીજી તરફ રોજ રોજ સ્ત્રીઓની સાથે થતા અત્યાચારો વધતા જાય છે. ક્યારેક ઘરેલું હિંસા તો ક્યારેક મનને ધ્રુજાવી નાખે તેવા બળાત્કારનાં કેસમાં કોઈ ઘટાડો થતો નથી ઉપરાંત કેટલી એવી ઘટનાઓ પણ થતી હોય છે કે જે કોઈના ધ્યાન આવતી નથી કે ચોપડે નોંધાતી જ નથી. આવા સમયે એ પ્રશ્ન છે કે સ્ત્રી કેટલી સુરક્ષિત છે ? એની સુરક્ષાની જવાબદારી કોની આવે છે ? મારી, તમારી, એની પોતાની કે આ સમાજની ? જયારે મહિલા દિવસ ઉજવવામાં આવતો હોય અને પુરુષ દિવસ નહીં ! ત્યારે મહિલાઓ માટે વિશેષ સન્માન તો છે એવું અહીં સાબિત થાય છે તો પછી આ સન્માન શું એક દંભ માત્ર છે ! વર્તમાન સંજોગોને જોતા સ્ત્રીઓ એ જ હવે જાગૃત થવું પડશે. એમણે પોતાનું રક્ષણ જાતે કરવું પડશે અને તે માટે જરૂરી વિવિધ પગલાંઓ પણ ભરવા પડશે. આ માટે ‘સેલ્ફ ડીફેન્સ’નાં કોર્સ થવા જોઈએ અને બની શકે ત્યાં સુધી ફ્રી માં અથવા તો ઓછામાં ઓછી ફીસમાં થવા જોઈએ. સરકારે પણ આ દિશામાં પગલાં ભરવાની જરૂર છે. શિક્ષણમાં પણ આ પ્રકારનો વિષય ઉમેરવો જોઈએ અને બાળકીઓને નાનપણથી જ આ દિશામાં તાલીમ આપવી જોઈએ. જેવી રીતે International Women’s Dayની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે તેવી જ રીતે ખરા અર્થમાં પણ સ્ત્રીના સન્માનની રક્ષા કરવી પણ માનવધર્મ છે.

તું નારી છે, તું શક્તિ છે

મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે 

    મિત્તલ ખેતાણી ( મો. 98242 21999 )   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *