New Yorkતા.૨૯
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે અને તેને કઠેડામાં ઉભું કર્યું છે. ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની ’ખુલ્લી કબૂલાત’ વિશ્વ સમક્ષ રજૂ કરી, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેમનો દેશ દાયકાઓથી આતંકવાદીઓને તાલીમ અને નાણાકીય મદદ પૂરી પાડી રહ્યો છે. ભારતે તેને પાકિસ્તાન એક ’બદમાશ રાજ્ય’ હોવાનો પુરાવો ગણાવ્યો જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ, રાજદૂત યોજના પટેલે જણાવ્યું હતું કે, ’આખી દુનિયાએ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કબૂલાત કરતા સાંભળ્યા છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને ટેકો, તાલીમ અને ભંડોળ આપવાની નીતિ અપનાવી રહ્યું છે.’ આ ખુલ્લેઆમ કબૂલાત કોઈને આશ્ચર્યચકિત કરતી નથી અને પાકિસ્તાનને એક બદમાશ રાજ્ય તરીકે ઉજાગર કરે છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશને અસ્થિર બનાવે છે. દુનિયા હવે આને અવગણી શકે નહીં. રાજદૂત પટેલે એવો પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ “પ્રચાર અને પાયાવિહોણા આરોપો” લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે.
પટેલના આ નિવેદનો ’વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ એસોસિએશન નેટવર્ક’ ના લોન્ચ દરમિયાન આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય આતંકવાદના પીડિતો અને બચી ગયેલા લોકોને સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેમને શાંતિ નિર્માણમાં જોડવાનો છે. પહેલગામ હુમલા પછી, સ્કાય ન્યૂઝના એક પત્રકારે ખ્વાજા આસિફને આતંકવાદી સંગઠનોને સમર્થન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે પ્રશ્ન કર્યો હતો. જવાબમાં આસિફે કહ્યું હતું કે, ’અમે છેલ્લા ૩ દાયકાથી અમેરિકા, પશ્ચિમ અને યુકે માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.’ પટેલે પહેલગામ હુમલા બાદ વૈશ્વિક સમુદાયના મજબૂત અને સ્પષ્ટ સમર્થન અને એકતા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ આતંકવાદ પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયની શૂન્ય સહિષ્ણુતા નીતિનો પુરાવો છે.
યોજના પટેલે જણાવ્યું હતું કે, ’૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પછી પહેલગામ આતંકવાદી હુમલામાં સૌથી વધુ નાગરિકોના મોત થયા છે. દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ભોગ બનનાર ભારત, તેના પીડિતો, તેમના પરિવારો અને સમાજ પર આતંકવાદની લાંબા ગાળાની અસરને સારી રીતે સમજે છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે આતંકવાદ, તેના તમામ સ્વરૂપોમાં, તેની સ્પષ્ટ નિંદા થવી જોઈએ. પટેલે વીઓટીએએનની સ્થાપનાને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું જે આતંકવાદના પીડિતોને સાંભળવા અને ટેકો આપવા માટે એક સુરક્ષિત અને માળખાગત પ્લેટફોર્મ પૂરું પાડશે. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા સામે આવ્યા બાદ ભારતે પાડોશી દેશ સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા ઉપરાંત ઘણા કડક પગલાં લીધા છે.