Bihar,તા.31
બિહારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં નર્સરીના વિદ્યાર્થીએ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગોળી મારી દીધી છે. કાળજું કંપાવનારી આ ઘટના સુપોલ જિલ્લાના ત્રિવેણીગંજ નગર પરિષદ ક્ષેત્રના વોર્ડ નંબર 16માં સ્થિત સેન્ટ જોન બોર્ડિંગ સ્કૂલમાં બની છે. અહીં નર્સરીના વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલના ત્રીજા ધોરણના વિદ્યાર્થી પર આજે ગોળી ચલાવી દીધી હતી. ગોળી વિદ્યાર્થીના હાથમાં લાગી છે. જો કે, ઘાયલ વિદ્યાર્થી ખતરાથી બહાર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
નર્સરીના વિદ્યાર્થીએ ચલાવી ગોળી
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોળી ચલાવનાર વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં ઘરેથી હથિયાર લઈને આવ્યો હતો. સ્કૂલમાં પ્રાર્થના પહેલા જ તેણે 10 વર્ષના વિદ્યાર્થી પર ગોળી ચલાવી દીધી હતી. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, મારી તેની સાથે કોઈ દુશ્મની નહોતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સ્કૂલ મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, અંતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ.
ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું
ઘટના બાદ જ્યારે પ્રિન્સિપાલે આરોપી બાળકના પિતાને સ્કૂલમાં બોલાવ્યા ત્યારે તેના પિતા પિસ્તોલ અને પુત્રને લઈને સ્કૂલમાંથી ફરાર થઈ ગયો. ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ રોષે ભરાઈ પહેલા શાળામાં હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ ઘટનાના વિરોધમાં NH 327E બ્લોક કરીને પ્રદર્શન કર્યું હતું. બાદમાં પોલીસની દરમિયાનગીરી અને કાર્યવાહીની ખાતરી બાદ જામ ખતમ કરવામાં આવ્યો હતો.