Mumbai,તા.03
અભિષેક શર્માએ એકલા હાથે રવિવારે બ્રિટીશરોને મજા ચખાડી હતી. તેણે 54 બોલમાં 7 ચોગ્ગા અને રેકોર્ડ 13 છગ્ગા ફટકારીને 135 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે, ટીમ ઇન્ડિયાએ અંતિમ પાંચમા ટી-20 માં નવ વિકેટે 247 રન બનાવ્યાં હતાં.
તે પછી અભિષકે એક ઓવરમાં માત્ર ત્રણ રન માટે બે વિકેટ લીધી હતી. તેનાથી ઇંગ્લેન્ડની ટીમ 10.7 ઓવરમાં માત્ર 97 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતે 150 રનની બીજી સૌથી મોટી જીત સાથે શ્રેણી 4-1 થી કબજે કરી હતી. અગાઉ, તેણે ફેબ્રુઆરી 2023 માં અમદાવાદમાં ન્યુઝીલેન્ડને 168 રનથી હરાવ્યું હતું.
સંઘર્ષ કરતી બ્રિટીશ ટીમ
મોટા સ્કોરના લક્ષ્યાંકનો પીછો કરતાં, ઇંગ્લેંડની ટીમ સંધર્ષ કરતી જોવા મળી હતી. ભારતીય બોલરોની સામે, ફક્ત ફિલ સોલ્ટ થોડા સમય માટે ટકી શક્યાં હતાં. તેનાં સિવાય, જૈકબ બેથેલ ડબલ અંકો સુધી પહોંચ્યાં. મોહમ્મદ શમીએ બેન ડકેટને ત્રીજી ઓવરમાં પેવેલિયન મોકલીને ઇંગ્લેન્ડને પહેલો ફટકો આપ્યો હતો અને તેનાંથી ટીમ અંત સુધી કમબેક કરી શકી નહીં.
શમીની ત્રણ વિકેટ
શમીએ લગભગ એક વર્ષ પછી તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી. આ પછી ઇંગ્લેંડની ટીમ પત્તાની જેમ ધરાશાયી થઈ હતી. શમીએ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે વરૂણ અને શિવમે બે – બે વિકેટો લીધી હતી.
અભિષેકે બીજી સૌથી ઝડપી સદી ફટકારી
અભિષેકે તેની સદી 37 બોલમાં પૂર્ણ કરી હતી. આ ભારતની તરફથી બીજી સૌથી ઝડપી સદી હતી. રેકોર્ડ રોહિતના નામે છે જેમણે 2017 માં 35 બોલમાં સદી ફટકારી હતી.
અભિષેકે 17 બોલમાં અડધી સદી પૂર્ણ કરી, જે ભારતીય માટે બીજી સૌથી ઝડપી અડધી સદી છે. આ ફોર્મેટમાં તે ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમવાવાળો બેટ્સમેન પણ બન્યો છે. તેણે ગિલનો 126 નોટ આઉટનો રેકોર્ડ તોડ્યો છે.
રેકોર્ડ 13 સિક્સ
24 વર્ષનાં ડાબોડી બેટ્સમેન અભિષેકે ચારેબાજુ, ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે 13 સિક્સર ફટકાર્યા જે કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવતાં સૌથી વધુ સિક્સરો હતાં. અગાઉ આ રેકોર્ડ રોહિતના નામે હતાં જેમણે 2017 માં 10 સિક્સરો ફટકાર્યા હતાં, અને સંજુએ પણ 2024 માં 10 સિક્સરો ફટકારવામાં આવ્યાં હતાં.
સંજુ – સૂર્ય ફરીથી નિષ્ફળ રહ્યાં
સંજુ (16) અને સૂર્યકુમાર (2) ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયાં હતાં. અભિષેકે તિલક સાથે બીજી વિકેટે 115 રનની ભાગીદારી કરી હતી અને શિવમ સાથે ચોથી વિકેટે 37 રનની ભાગીદારી કરી હતી.