Jammu Kashmir, તા. 7
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઇકાલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પર વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ’જો પાકિસ્તાન પીઓકેમાંથી ખસી જાય તો કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે. એસ જયશંકરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ’તેમને કોણે રોક્યા છે?’
જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે જમાવ્યું હતું કે, ’જો કેન્દ્ર સરકારને POK પાછું મેળવવાની ક્ષમતા હોય તો તે દિશામાં પગલાં લે. શું આપણે તેમને ક્યારેય રોક્યા? પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન તેમને તેને પાછું લાવવાની તક મળી હતી. પરંતુ તે કરી શક્યા નહીં. જો તેઓ તેને પાછું લાવી શકે છે.’
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ’જમ્મુ-કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં છે, જ્યારે બીજો ભાગ ચીનના કબજામાં છે. આ વિશે કોઈ કેમ વાત કરતું નથી?’
વિદેશ મંત્રી એસ. જયશંકરે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન પીઓકે પર પોતાની ટિપ્પણી કરી. તેમણે દાવો કર્યો હતો કે, ’ભારતે કાશ્મીર મુદ્દા પર નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાંથી કલમ 370 રદ કરવી એ પહેલું પગલું હતું.’
આ ઉપરાંત તેમણે કાશ્મીરમાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની પુન:સ્થાપનાનો પણ ઉલ્લેખ કર્યો અને તાજેતરની ચૂંટણીઓમાં ઉચ્ચ મતદાનની વાત કરી.