હું જ્હોની લીવરના વીડિયો જોઇને જોક્સ કહેતા શીખ્યોઃ Comedian Tanmay Bhat

Share:

કોમેડિયન તન્મય ભટ સ્ટેન્ડ અપ કોમેડી અને એઆઈબી તેમજ કોમિકિસ્તાન જેવા શો માટે ખાસ જાણીતો છે

Mumbai, તા.૪

કોમેડિયન તન્મય ભટ સ્ટેન્ડ અપ કોમેડી અને એઆઈબી તેમજ કોમિકિસ્તાન જેવા શો માટે ખાસ જાણીતો છે. આ ડિજિટલ ક્રિએટર તાજેતરમાં કૌન બનેગા કરોડપતિમાં અન્ય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સમય રૈના, કામિયા જાની અને ભુવન બામ સાથે હોટ સીટ પર આવ્યો હતો. તેણે કેબીસી ગેમ રમવાની સાથે પોતાની યાદો તાજા કરીને પોતાની શરૂઆતના દિવસો વિશે પણ વાત કરી હતી.કરોડપતિ સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતા તન્મયે કહ્યું, “મારે શો પર સ્પર્ધક તરીકે આવવું હતું, પણ પછી હું તેનો ભાગ બની ગયો. હું ઘણા વર્ષ પહેલાં ઓડિયન્સ તરીકે આવ્યો હતો અને મેં ઓડિયન્સ પોલમાં પણ ભાગ લીધો હતો. તેમાં ૯૯ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો હતો અને ૧ ટકામાં ખોટો જવાબ આપનારો હું હતો. ” તેની આ વાતથી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા હતા.અમિતાભ બચ્ચને તન્મયને કન્ટેન્ટ ક્રિએશનની પોતાની સફર વિશે પૂછ્યું તો તન્મયે જણાવ્યું, “હું સ્કૂલમાં પણ બહુ જાડો હતો, ત્યારે મારા કોઈ મિત્રો નહોતા. તેથી મેં જ્હોની લીવરની કેસેટ જોવાનું શરૂ કર્યું તેમાંથી મને ઘણા જોક્સ શીખવા મળ્યા. પછી મેં જોક્સ કહેવાના શરૂ કર્યા અને મારા મિત્રો બનવા લાગ્યા. ત્યારે મને સમજાયું કે હું આ ક્ષેત્રમાં કૅરિઅર બનાવી શકું છું અને સાથે મિત્રો પણ બનવા માંડ્યા.”પછી સમય રૈનાએ પણ મજાક કરી હતી અને તેણે અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ વારંવાર ટીવી પર આવતી તે અંગે કહ્યું, “સર, મેં જે તમારી પહેલી ફિલ્મ જોયેલી એ હતી સૂર્યવંશમ, મેં જે તમારી બીજી ફિલ્મ જોઈ એ પણ સૂર્યવંશમ છે. જે ત્રીજી ફિલ્મ જોઈ એ પણ સૂર્યવંશમ હતી” તેનાથી અમિતાભ બચ્ચન અને ઓડિયન્સ સહીત બધાં જ હસી પડ્યા હતા. આ મજાકના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતેં હેં, ઔર નામ હૈ શહેનશાહ.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *