Ahmedabad,તા.06
અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના વિજય ચાર રસ્તા પાસે એક ટ્રાવેલ્સ બસ દ્વારા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ગુરૂવારે (6 માર્ચ) જય અંબે ટ્રાવેલ્સ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલક રામચંદ્ર રાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
નોંધનીય છે કે, બાઇક ચાલકે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે હેલ્મેટ પહેરેલું હતું તેમ છતાં તેનું માથું કચડાયું અને ત્યાં જ મોત નિપજ્યું હતું. સમગ્ર મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.