Mumbai,તા.25
તાજેતરમાં કેન્સરથી પીડિત અને જાણીતી ટીવી એક્ટ્રેસ હિના ખાને પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી અને દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી છે. હિના પોતે કાશ્મીરી છે અને છેલ્લા કેટલાક સમયથી વતનમાં વેકેશન માણી રહી હતી. કેન્સરની સારવાર લઈ રહેલી હિના બ્રેક લઈને કાશ્મીર ગઈ હતી. પહલગામ હુમલા વચ્ચે તે મુંબઈ પરત ફર્યા બાદ તેણે એક લાંબી પોસ્ટ લખી છે અને તેના વિચારો વ્યક્ત કર્યા હતા.હિના ખાને પહલગામ આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લોકોને અપીલ કર્યા બાદ તેમની માફી પણ માંગી.હિના ખાને વધુમાં ઉમેર્યું કે , “મુસ્લિમ હોવાનો દાવો કરનારા નિર્દય, અમાનવીય, બ્રેઈનવોશ કરેલા આતંકવાદીઓ દ્વારા જે રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તે ભયાનક છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે કોઈને બંદૂકની અણી પર તેનો ધર્મ છોડવા માટે દબાણ કરવામાં આવે અને પછી મારી નાખવામાં આવે. તેનાથી મારું હૃદય ભાંગી પડ્યું. એક મુસ્લિમ તરીકે હું મારા તમામ સાથી હિંદુઓ અને સાથી ભારતીયોની માફી માંગવા માંગુ છું અને એક મુસ્લિમ તરીકે હું તેમના જીવ ગુમાવનાર ભારતીયો અને ભાઈ-બહેનોની માફી માંગું છું. પહલગામમાં જે થયું તે હું ભૂલી નહીં શકું.
હિના ખાને પોસ્ટમાં લખ્યું કે, “સંવેદના, કાળો દિવસ, અશ્રુભીની આંખો, ટીકા, કરુણાની પોકાર. જો આપણે વાસ્તવિકતાને સ્વીકારવામાં નિષ્ફળ રહીશું તો બીજું કંઈ મહત્વનું નથી. જો આપણે ખરેખર જે બન્યું તે સ્વીકારીશું નહીં, ખાસ કરીને મુસ્લિમો તરીકે તો બાકીનું બધું માત્ર વાતો જ ગણાશે. સરળ વાત છે થોડીક ટ્વિટ અને બસ.”