Ahmedabad,તા.૨૪
અમદાવાદમાં શિક્ષકનું જઘન્ય કૃત્ય સામે આવ્યું છે. અંકુર સ્કૂલમાં શિક્ષક યશ વાઘેલા સામે સગીરાને ફોસલાવી, લગ્ન માટે દબાણ કરી હોટલમાંં લઈ જઈ નિર્વસ્ર કરી વીડિયો ઉતાર્યાની ઘટના સામે આવતા સગીરાની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુરૂનો દરજ્જો અપાતા શિક્ષક જ જ્યારે પોતાના શિષ્ય સામે ગંદી હરકત કરવા લાગતો હોય છે ત્યારે ગુરૂ-શિષ્યના સંબંધને પણ લાંછન લાગે છે. માતાપિતા પોતાના દીકરા અને દીકરીઓને સારા પાઠ ભણાવવા અને સુરક્ષા પણ મળી રહે તે આધારે શાળાએ મોકલતા હોય છે. પરંતુ શિક્ષક જ પોતાની હવસનો શિકાર દીકરીને બનાવે છે ત્યારે સમાજ માટે અને માતાપિતાએ ચેતી જવાની જરૂર પડતી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદની અંકુર સ્કૂલમાં બનવા પામ્યો છે.
અમદાવાદમાં શિક્ષક યશ વાઘેલાએ સગીરાને કબડ્ડીમાં ભાગ લેવા અને ફોર્મ ભરવા તેમજ સ્પોર્ટ્સની ટિકિટ લેવાના બહાને હોટલમાં લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. યશ વાઘેલા સગીરાને બ્લેકમેલ કરી લગ્ન માટે દબાણ કરતો હતો. છેલ્લા એક મહિનાથી હેરાન કરતા સગીરાએ કંટાળીને માતાને પોતાની વ્યથા બતાવી હતી. માતાએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે ગીતામંદિરની નજીકની હોટલમાં જબરજસ્તીથી નિર્વસ્ત્ર કપડાં ઉતારી વીડિયો બનાવી લગ્ન માટે દબાણ કરતો હતો. સરખેજ પોલીસે શિક્ષક યશ વાઘેલા વિરૂદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
એ યાદ રહે કે થોડા સમય અગાઉ વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી જય અંબે વિદ્યાલયના પીટી શિક્ષક પંથેશ પંચાલ પર એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકે વિદ્યાર્થિનીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. શાળા સંચાલકોએ તાત્કાલિક પગલાં લેતા આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારીને માફીનામું લખી આપ્યું હતું. જો કે, શાળા સંચાલકોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.