Srinagar તા.21
જમ્મુ-કાશ્મીરનાં રામનમાં વાદળ ફાટતા ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. જાનમાલને વ્યાપક નુકશાન થયુ છે.રાહત-બચાવ કામગીરી માટે સૈન્ય જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
દેશમાં ભરઉનાળે ઉતર ભારતનાં પર્વતીય રાજયોમાં હવામાન પલટા સાથે ભારે વરસાદ તથા આંધીનું તાંડવ રહ્યું છે. બે દિવસ હિમાચલ પ્રદેશમાં ભારે ખાનાખરાબી સર્જાયા બાદ કાશ્મીરનો વારો નીકળ્યો હતો.રાજયનાં અનેક ભાગોમાં ભારે વરસાદ આંધી તથા ભુસ્ખલનની શ્રેણીબદ્ધ ઘટના બની હતી.
ખાસ કરીને રામબનમાં તબાહી હતી. વરસાદનાં પુરના પાણીમાં તણાઈ જતા કે કાટમાળ હેઠળ દબાઈ જતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા. સમગ્ર વિસ્તારમાં પુર સ્થિતિ સર્જાતા નાસભાગ અને અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
કુદરતી દુર્ઘટનાને પગલે સ્થાનિક બચાવ ટીમો ઉપરાંત સૈન્ય જવાનોને પણ મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. બદલાયેલા હવામાન વચ્ચે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ અર્ધો ડઝન સ્થળોએ ભુસ્ખલન થયા હતા જેના પગલે હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને સેંકડો લોકો ફસાયા હતા.
ગુજરાત સહીતનાં રાજયોનાં પ્રવાસીઓ પણ ફસાયા હતા. રાજય સરકારે તાત્કાલીક ફસાયેલા લોકોને સુરક્ષીત સ્થળોએ પહોંચાડવાના આદેશો જારી કર્યા હતા.