Gujarati ને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો, રૂ. ૨૦ લાખ પડાવી એજન્ટ ફરાર

Share:

Anandતા.૧૧

આણંદમાં યુકેના વિઝાના નામે યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં લાખો રૂપિયા આપવા છતા યુકે એમ્બેસીએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો.

વિદ્યાનગરમાં આવેલી વિઝા કન્સલટન્સીના સંચાલકે યુકેના વિઝા અપાવવાના બહાને યુવક પાસેથી ૨૦.૮૫ લાખ ખંખેરી લીધા હતા. એ પછી બે વખત ફાઈલ સબમીટ કરી હતી. જેમાં ફાઈલ કેન્સલનો મેસેજ આવતા તપાસ કરી તો તેમાં યુવકને ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જેમાં તેણે સંચાલક પાસેથી ૨૦ લાખ પરત માંગતા શખસે હાથ ઉંચા કર્યા હતા.

ખેડાના મહુધા ખાતે ધ્રુવકુમાર શશીકાન્તભાઈ પટેલ રહે છે. તેઓ ખાનગી કંપનીમાં વર્ષ ૨૦૨૧માં ફરજ બજાવતો હતો એ સમયે એક મિત્ર યુકે ગયા હતા. જેને પગલે તેમને પણ યુકે જવું હોય તેમણે રેફરેન્સ માંગ્યો હતો. જેમાં વિદ્યાનગરમાં યુકો બેંક પાસે આવેલી ફોર સાઈડ ઈમિગ્રેશનનું એડ્રેસ બતાવ્યું હતું. જેને પગલે તેઓ કન્સલટન્સીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં મલાતજના ટાવર ખડકીમાં રહેતો પ્રિયુલ પટેલ હાજર હતો. એ સમયે તેણે વેરિફિકેશન કર્યા બાદ યુકે માટે પ્રથમ રૂપિયા ૫ લાખ થશે અને એ પછી જેમ જેમ ફાઈલ આગળ વધતી જશે તેમ તેમ પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું. જેને પગલે શરૂમાં તેમણે રૂપિયા ૫ લાખ અને એ પછી બીજા રૂપિયા થઈને ૨૦.૮૫ લાખ આપ્યા હતા.

બીજી તરફ કન્સલટન્સી દ્વારા બે વખત વિઝા ફાઈલ કરી હતી. જેમાં બે-બે દિવસના અંતરે કેન્સલ થયાનો ઈમેઈલ આવી ગયો હતો. જે બાબતે તેમણે તેમનો સંપર્ક કરતા તેઓએ જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા હતા. પરંતુ તેઓએ ઓળખીતા એજન્ટને પૂછતાં તેમને યુકે પર ૧૦ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો હોવાની જાણ થઈ હતી. જેને પગલે તેમણે તેની પાસેથી પૈસા પરત માંગ્યા હતા. પરંતુ અવાર-નવાર ધક્કા જ ખવડાવતો હતો અને પૈસા પણ પરત આપ્યા નહોતા. આ મામલે પ્રિયુલ પટેલ અને તેના મિત્ર દીપુ પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી પૈસા મંગાવ્યા, પણ પરત ન આપ્યા સંચાલક પ્રિયુલ પટેલ દ્વારા પૈસા પરત આપવા માટે ગલ્લાં-તલ્લાં બતાવ્યા હતા. બાદમાં તેણે યુવકને તેનું બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. જેને પગલે ધ્રુવકુમાર પટેલે બેંક એકાઉન્ટ ખોલાવતાં ૨૦ લાખ રૂપિયા આરટીજીએસથી આવ્યા હતા. પરંતુ તે બેંકમાં ઉપાડવા જતા બેંક કર્મીઓએ તેમને રૂપિયા ક્યાંથી આવ્યા તેની ડિટેઈલ આપો પછી જ પૈસા ઉપડશે તેમ કહ્યું હતું. બેંક એકાઉન્ટ ખોલ્યા બાદ શખસે તેની પાસેથી એટીએમ, ચેક સહિત તમામ ડોક્યુમેન્ટસ લઈ લીધા હતા. જોકે, પ્રિયુલ પટેલે બેંક ડિટેઈલ આપી હતી અને બેંકમાં યુવક સાથે ગયો હતો. એ સમયે તેનો મિત્ર દિપ પટેલ પણ હતો, જે બેંકની બહાર ઉભો રહ્યો હતો. બાદમાં યુવક પૈસા ઉપાડીને પરત આવતાં જ બંને શખસોએ મોટા વ્યક્તિની હાજરીમાં પૈસા આપવામાં આવશે તેમ કહીને તેને પૈસા આપ્યા નહોતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *