Gandhinagar,તા.20
ગુજરાતનાં નવા નાણાંકીય વર્ષનાં બજેટમાં રૂા.148 કરોડની નોંધપાત્ર રાહત આપવામાં આવી છે. વિકાસની ગતિને વેગ આપવાના લક્ષ્ય સાથે બજેટનું કદ 3,70,250 કરોડનું રાખવામાં આવ્યું છે.
સ્ટેમ્પ ડયુટી તથા વાહન વેરામાં રાહતો જાહેર થઈ છે. કોઈપણ ક્ષેત્રમાં કરબોજ વધારાયો નથી બજેટમાં આવાસ સબસીડીમાં વધારા, વિકસીત ગુજરાત ભંડોળ, રોજગારી સર્જન, કૃષિ, નારી શકિત, યુવાવર્ગ, સહિતના ક્ષેત્રો પર ફોકસ દર્શાવીને મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં નવા નાણાંકીય વર્ષ 2025-26 નું બજેટ કર્યુ હતું. બજેટમાં 148 કરોડની કરવેરા રાહત બાદ નેટ પૂરાંત 859 કરોડની રહેશે.
નાણામંત્રી દ્વારા સ્ટેમ્પ ડયુટી જોગવાઈમાં રાહત જાહેર કરવાની સાથોસાથ કેટલાંક સુધારાઓ સુચવ્યા છે જે અંતર્ગત વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હકક કમીના લેખ પર પ્રવર્તમાન 4.90 ટકા સ્ટેમ્પ ડયુટીનાં બદલે પુત્રોના વારસદારોની જેમ ફકત રૂા.200 ની સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે.
આ સિવાય ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ હેઠળ પ્રવર્તમાન સમયમાં એક કરોડ સુધીની લોનની રકમ માટેનાં ગીરોખમ પર 0.25 ટકા લેખે મહતમ રૂા.25000 ની સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. તે ઘટાડીને હવે રૂા.5000 કરવામાં આવી છે જેથી હોમલોન તથા નાના ઉદ્યોગકાર જેવા વર્ગોને મોટી રાહત મળશે.
સ્ટેમ્પ ડયુટીની અન્ય એક જોગવાઈ અંતર્ગત એક વર્ષ કરતા ઓછા સમયગાળાનાં ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1 ટકા સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે તેના બદલે હવે રહેણાંકમાં રૂા.500 તથા કોમર્સીયલમાં રૂા.1000 ની સ્ટેમ્પ ડયુટી વસૂલાશે. તેમજ અન્ય સમયનાં ભાડાપટ્ટાનાં લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ગીરોખત, ગીરોમુકિત, ભાડા પટ્ટા, લેખ માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓ પર જવાને બદલે ઘર બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટુંક સમયમાં શરૂ કરાશે.
મોટર વાહન વેરામાં કરાયેલા ફેરફાર અંતર્ગત ઈલેકટ્રીક વાહનો પર હાલ 6 ટકા સુધીનો વાહનવેરો અમલમાં છે હવે સંપૂર્ણ ઈલેકટ્રીક બેટરીથી ચાલતા વાહનો પર એક વર્ષ માટે 5 ટકા રીબેટ આપીને માત્ર એક ટકા વેરો વસુલવા નકકી કરવામાં આવ્યું છે.
આજ રીતે મેકસી કેટેગરીમાં પેસેન્જર વાહનોની ક્ષમતા મુજબ હાલના 8 તથા 12 ટકાના બદલે 6 ટકાનો એક જ દર કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે 1007 ની અંદાજીત પુરાંત પર 148 કરોડની રાહત આપવામાં આવતા નેટ પુરાંત 859 કરોડ રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ માટેની પુરાંતનો સુધારેલો અંદાજ 900 કરોડવાળો 344 કરોડ કરવામાં આવ્યો છે.
2025-26 ના નાણાંકીય વર્ષના બજેટમાં ગરીબ લાભાર્થીઓ માટેની આવાસ યોજનાની સબસીડી 1.20 લાખ હતી તેમાં 50,000 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ માટે 50,000 કરોડનુ વિકસીત ગુજરાત ફંડ ઉભુ કરવાનું જાહેર કરાયું છે.
રાજકોટ સહિત પાંચ શહેરોમાં વર્કીંગ વુમન હોસ્ટેલ, 12 નવા હાઈસ્પીડ કોરીડોર-બે એકસપ્રેસવે, ખેડુતોને ટ્રેકટર સબસીડીમાં વધારો, રાજકોટ-સૌરાષ્ટ્ર કોષ્ટલ કચ્છ સહીત 6 રીજીયન માટે ઈકોનોમીક પ્લાન, ધાર્મિક પ્રવાસન ક્ષેત્રોનાં વિકાસની જોગવાઈ છે.
♦ ગરીબ આવાસ સબસીડીમાં રૂ.50,000 નો વધારો
♦ 12 કોરીડોર તથા નવા બે એકસપ્રેસ વે બનશે
♦ રાજકોટ સહિત 6 રીજીયન માટે ઈકોનોમિક પ્લાન
♦ રૂ.50,000 કરોડનું વિકસીત ગુજરાત ફંડ
♦ કિસાનો, મહિલા, યુવા, નાના ઉદ્યોગોને માટે યોજના