Gandhinagar,તા.29
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શકયુ નથી. 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પુરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયુ નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે ચોથી બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે.
હવે આ સંજાગોમાં ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવે તો વિદ્યાર્થીઓની નીટ પરીક્ષામાં અસર થઈ શકે છે અને મેડિકલ પ્રવેશ સંપૂર્ણ રીતે નીટના આધારે જ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલા બોર્ડના પરિણામથી તણાવમાં ન આવે અને નીટ પરીક્ષા ન બગડે તે માટે હવે 12 સાયન્સનું બોર્ડ પરિણામ ચોથી બાદ એટલે કે નીટ પરીક્ષા બાદ જાહેર થવાની શક્યતા છે.
આ વર્ષે પ્રથમવાર ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ હતી અને ગત વર્ષ કરતા 13 દિવસ વહેલી હતી જેથી બોર્ડનું પરિણામ એપ્રિલ અંત સુધીમાં જાહેર થાય તેવુ આયોજન હતું. ઉપરાંત ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા તો 10 માર્ચે જ પુરી થઈ ગઈ હતી જેથી એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકે તેમ હતું.
ધો.12 સાયન્સ પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે આગામી ચોથી એપ્રિલે દેશભરમાં નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામા આવનાર છે ત્યારે હાલ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીમાં લાગ્યા છે.