Gandhinagar,તા.૩
ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માંગ ઊઠી છે. આ મામલે વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્રમાં લખ્યું છે કે,’ગુજરાતની પ્રજા પોતાના સવાલો, સમસ્યાઓ, સૂચનો, સુવિધાઓ અને સુશાસન માટે પોતાનો અવાજ રજુ કરવા ૧૮૨ વિધાનસભા વિસ્તારોમાંથી પોતાના પ્રતિનિધિને ચૂંટીને લોકશાહીના મંદિર સમા ગુજરાતની વિધાનસભામાં ચૂંટીને મોકલે છે. ત્યારે પોતાના વિસ્તારના લોકો અને ગુજરાતની જનતાનો અવાજ, લાગણી અને માગણીઓ વિધાનસભામાં રજૂ કરે અને સરકારના ધ્યાન પર લાવે છે જે જાણવા, જોવાનો પ્રજાનો હક છીનવી લેવામાં આવ્યો છે.’
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્રમાં લખ્યું કે, ’સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ૨૮ રાજ્યોની વિધાનસભા સત્રની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી વિધાનસભા સત્રની સમગ્ર કાર્યવાહીનો ખર્ચ કરવામાં આવે છે, પગાર અને સુવિધાઓ પણ પ્રજાના પૈસા ભોગવે છે તે જોવાનો અને જાણવાનો પ્રજાનો પણ અધિકાર બને છે.’
વિધાનસભા સત્રની કાર્યવાહીના એક એકતરફી પ્રસારણ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ’સમાચાર માધ્યમોમાં માહિતી વિભાગ દ્વારા જે વિધાનસભાની કાર્યવાહીના અંશો લોકશાહીના ધબકારના સ્વરૂપે મોકલવામાં આવે છે. જે અધૂરા-એકતરફી અને પક્ષપાત પૂર્વકના હોય છે. જેમાં સરકારના ચોક્કસ મંત્રીઓના પ્રવચનોના વીડિયો રાજકીય એજન્ડાઓને ઉજાગર કરવા જાહેર કરવામાં આવે છે. વિપક્ષના સભ્યો સતત આ બાબતે અન્યાય અને ભેદભાવ થતો હોવાનું મહેસૂસ કરી રહ્યા છે. જેથી કોંગ્રસના તમામ ધારાસભ્યોની માગ છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ચાલુ સત્રથી જ શરૂ કરવામાં આવે.’