Gujarat માં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

Share:

Gujarat,તા.21

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જોકે, મકર સંક્રાંતિ બાદ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ, બપોરે બહાર નીકળવાનું થાય તો ઉનાળા જેવો જ અનુભવ થાય છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં ઠંડીની રી-એન્ટ્રી થઈ શકે છે. આ સિવાય અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલ ઠંડીમાં ઘટાડો છે. ત્યારે આગામી 22 જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યમ હોવાથી તારીખ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઠંડીનો અનુભવ થશે. જેમાં ગુજરાતનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં માવઠાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 30 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું આવી શકે છે. જોકે, 27 જાન્યુઆરીથી ઠંડીનું જોર ઘટવાની સાથે ગરમીનો અનુભવ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *