Rajula,તા.06
રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા કોલેજના સ્વ. શ્રીમતી હીરાલક્ષ્મી ભાયદાસ સંઘવી અને સ્વ. ભાઇદાસભાઇ (બાબુભાઇ) જમનાદાસ સંઘવીના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરના વરદહસ્તે કરાયું હતું. સૌપ્રથમ હિન્દુસ્તાન પેન્સિલ પરીવાર- મુંબઈ તથા મહાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંભારણું નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. અને કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે ટ્રસ્ટીઓ તથા મહાનોએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. ખાસ નામાંકિત વક્તા નેહલબેન ગઢવીએ સુંદર વક્તવ્ય રજૂ કરી વિધાર્થીની બહેનોને માહિતગાર કર્યા હતાં. રાજુલા શહેરમાં માત્ર બહેનો માટની મહિલા કોલેજની વર્ષ ૨૦૦૦ માં સ્થાપના કરાઇ હતી. રાજુલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિધાર્થીની બહેનો અભ્યાસ અર્થે આવી રહ્યાં છે. ત્યારે હવે અધતન સુવિધા સાથે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનો શુંભારભ કરવામાં આવ્યો છે. આ લોકાર્પણ પ્રસંગે વિધાર્થીની બહેનો ખૂબજ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના પ્રતિનિધિ તરીકે રસીકભાઇ પારેખ, નામાંકિત વક્તા નેહલબેન ગઢવી, મનુભાઇ ધાખડા, વિશ્વુ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગીરધરભાઇ ઉનાગર તથા વિમળાબેન ઉનાગર, ગૌરાંગભાઇ મહેતા, મનીષભાઇ, બીપીનભાઇ લહેરી તેમજ આગેવાનો- અગ્રણીઓ,હિન્દુસ્તાન પેન્સિલ પરીવારજનો તથા કોલેજના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં