Upleta તા. 27
ઉપલેટામાં મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધ શિવ મંદિરોના શિવલિંગને સ્વયંસેવકો તેમજ સહયોગીઓ દ્વારા વિશેષ રૂપે શણગાર કરવામાં આવ્યો હતો જેમાં આ શણગારની સાથે-સાથે વિવિધ શિવ મંદિરોની અંદર મહા આરતી તેમજ ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તો ઘણી જગ્યા ઉપર બપોરના સમયે ફરાળની પ્રસાદીનું પણ સેવકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દિવસ દરમિયાન વિવિધ શિવ મંદિરોમાં મહા આરતીનો અને ભાંગના પ્રસાદનો લાભ લેવા ભક્તોનું ખોડાપુર ઉમટી પડ્યું હતું.
ઉપલેટા શહેરના કિલોલ સ્કૂલ પાસે આવેલા શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ ભક્ત ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર તરફથી છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવી રહેલ આયોજનના ભાગરૂપે બપોરના સમયે વિશેષ રૂપે ફરાળનું આયોજન કરવામાં આવે છે તો ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી વિસ્તાર પાસે આવેલા શ્રી બડા બજરંગ શ્રીરામ મંદિર ખાતે બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવને પણ વિશેષ પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મહાદેવના મોટા સેવક તરીકે અને ખુદ મહાદેવ તરીકે છાપ ધરાવતા અને ઉપલેટા બ્રહ્મ સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ વ્યાસ ઉર્ફે મહાદેવ તેમજ તાજેતરની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં સદસ્ય તરીકે જંગી મત મેળવી વિજેતા થનાર તેમના પત્ની જીજ્ઞાબેન વ્યાસ પરિવાર અને તેમના સહયોગીઓ અને સેવકો દ્વારા રાત્રીની મહા આરતી બાદ વિશેષ રૂપે ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપલેટા મોજ નદી કાંઠે આવેલ અને પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને મહાશિવરાત્રી નિમિત્તે દરેક શિવ મંદિરો હર-હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.