બે જ વર્ષમાં Gold Loan ની રકમ ‘ડબલ’

Share:

Mumbai, તા.4
સોના-ચાંદીના ભાવમાં તેજીનો દોર છે તેવા સમયે બેંકોમાંથી ગોલ્ડ લોન લેવાનું ચલણ સતત વધી રહ્યું છે. વાર્ષિક ધોરણે ગોલ્ડ લોનમાં 31 ટકાનો મોટો વધારો થયો છે. સોનાના ઉંચાભાવ કારણરૂપ છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડાકિય રીપોર્ટ પ્રમાણે ચાલુ નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં વ્યાપારી બેંકો દ્વારા અપાતી ગોલ્ડ લોન 68 ટકાનો વધારો સુચવે છે. કુલ ગોલ્ડ લોન 1.72 લાખ કરોડે પહોંચી છે. ગત વર્ષે આ સમયગાળામાં વૃધ્ધિદર માત્ર 12.7 ટકાનો હતો. ગોલ્ડ સિવાય ફીકસ્ડ ડીપોઝીટ તથા શેર સામે લોનમાં વૃધ્ધિદર અનુક્રમે 19 તથા 22 ટકાનો રહ્યો હતો.

નાણાં બજારના જાણકારોના કહેવા પ્રમાણે પર્સનલ લોન સેગ્મેન્ટમાં સૌથી મોટો લોન વૃદ્ધિદર ગોલ્ડમાં છે. વાર્ષિક ધોરણે 71 ટકા તથા ચાલુ વર્ષમાં 68 ટકાનો વધારો સુચવે છે. આ માટે ત્રણ કારણો જવાબદાર છે.

લોન ધારકો નોન-બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓમાંથી બેંકો તરફ શિફટ થયાનું એક મોટું કારણ છે. ગોલ્ડ લોનમાં બેંકોનો હિસ્સો 82 ટકા તથા નોન-બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓનો હિસ્સો 18 ટકા છે.

બીજુ કારણ સોનાના ઉંચા ભાવને કારણે વિવિધ જરૂરીયાત પૂર્ણ કરવા તેના પર લોન લેવાનું આકર્ષણ વધ્યું છે. ત્રીજુ કારણ લોકો નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર આવવા સોના સામે ધિરાણ લેવાનું છે.

પર્સનલ લોન સેગમેન્ટમાં ક્રેડિટ કાર્ડ ધિરાણની બાકિ વસુલાત 15.6 ટકા વધીને રૂા.2.9 લાખ કરોડ પહોંચી છે. બેંકોનો સૌથી મોટો પોર્ટફોલીયો હોમલોનનો છે અને તે 29.3 લાખ કરોડનો છે. જો કે, હોમલોન વૃદ્ધિદર ધીમો પડ્યો છે અને વાર્ષિક ધોરણે માત્ર 11.1 ટકાનો જ વધારો સુચવે છે. બીજી તરફ કન્ઝયુમર ડ્યુરેબલ ક્ષેત્રમાં લોન વૃદ્ધિ નેગેટીવ છે અર્થાત તે ક્ષેત્રની લોનમાં ઘટાડો છે.

રિઝર્વ બેંકના રીપોર્ટ મુજબ નોન-ફૂડ ધિરાણ ડીસેમ્બર 2024ની સ્થિતિએ 172.5 લાખ કરોડ રહ્યું હતું જે 11.1 ટકાનો વધારો સુચવે છે. કૃષિ ધિરાણમાં 1.67 લાખ કરોડના વધારા સાથે તે 12.5 ટકાનો વૃદ્ધિ દર સુચવે છે.

પર્સનલ લોન ક્ષેત્રના ધિરાણમાં 12 ટકાની વૃદ્ધિ છે. તેમાં 4.6 લાખ કરોડનો વધારો હતો અને કુલ પર્સનલ ધિરાણ 58 લાખ કરોડનું છે. ઔદ્યોગિક ક્ષેત્રનું ધિરાણ નબળું જ હતું. કુલ 38.5 લાખ કરોડ હતું. વૃદ્ધિ દર 7.2 ટકા હતું. મોટા ઉદ્યોગોના ઋણમાં પાંચ ટકાનો વધારો માલુમ પડ્યો હતો.

નોન બેન્કીંગ ધિરાણ દાતાઓ પાસેથી લોન મંજુરી સરળ હોય છે. નોન-બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓનું એપ્રિલથી સપ્ટેમ્બર 2024નું છ માસનું ધિરાણ 1.55 લાખ કરોડ થયું હતું જે આગલા વર્ષમાં 1.32 લાખ કરોડનું હતું. ટોચની કંપની મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ અંડર મેનેજમેન્ટ પોર્ટફોલિયોમાં 28 ટકાનો વધારો હતો. મન્નાપુરમ ફાઇનાન્સનો આ પોર્ટફોલીયો 17 ટકા વધ્યો હતો.

રેટીંગ એજન્સીના સૂત્રોએ કહ્યું કે વૈશ્વિક બજારમાં સોનાના સતત વધતા ભાવ અને ડોલર સામે નબળા પડતા રુપિયાને કારણે ગોલ્ડ સામે લોન પેટે મોટી રકમ આપવામાં કંપનીઓ કોઇ ખચકાટ રાખતી નથી.

રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે સોનાના માર્કેટ રેટની 75 ટકા રકમ લોનરૂપે આપી શકાય છે. ચાલુ વર્ષે એપ્રિલથી ડીસેમ્બરમાં સોનાના ભાવમાં 12 ટકાની વૃદ્ધિ છે. રસપ્રદ વાત એ છે કે, 2022ના કેલેન્ડર વર્ષમાં ગોલ્ડ લોન 86000 કરોડની હતી તે બે જ વર્ષમાં 1.72 લાખ કરોડ ડબલ થઇ ગઇ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *