Junagadh, તા. 21
સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્ર્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મો વસ્તી અંદાજ-2025 સંભવિત તા.10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તા.12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઇન્ડિયાના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે.
આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે.
હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ 55 હજાર અને 1 લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.
નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. 6 હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના 30 લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના 600 વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો.
જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી. ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા.
મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.