Washington,તા.૨૩
અદાણી ગ્રૂપના સંસ્થાપક તેમજ ચેરમેને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના લાંચ કેસમાં અમેરિકાનું તેડું આવ્યું છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન એ બંનેને સમન્સ પાઠવ્યા છે અને સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ૨૬૫ મિલિયન ડૉલર (૨૨૦૦ કરોડ રૂપિયા)ની લાંચ આપવાના આરોપ મુદ્દે જવાબ આપવા કહ્યું છે. એસઈસીએ ગૌતમ અદાણીના અમદાવાદમાં આવેલા શાંતિવન ફાર્મ નિવાસસ્થાન અને તેમના ભત્રીજા સાગરને બોડકદેવના નિવાસસ્થાન પર સમન્સ મોકલી ૨૧ દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે.
ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૨૧ નવેમ્બરે નોટિસ મોકલીને કહ્યું છે કે, ‘હવે પછી તમને સમન્સ મળે તો ૨૧ દિવસમાં (આ સમન્સને છોડીને), જો તમને વાદી (યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) સામે ફરિયાદ હોય, તો તેનો જવાબ તમારે યુએસ ફેડરલના નિયમ ૧૨ પ્રમાણે રજૂ કરવાનો રહેશે.’ તેમાં કહેવાયું છે કે, ‘જો તમે જવાબ આપવામાં નિષ્ફળ રહેશો, તો ફરિયાદમાં માંગવામાં આવેલી રાહત માટે તમારી વિરુદ્ધ ડિફોલ્ટ રીતે નિર્ણય લેવાશે. તમારે તમારો જવાબ કે પ્રસ્તાવ પણ કોર્ટમાં જ દાખલ કરવો પડશે.’
ન્યૂયોર્કની કોર્ટમાં બુધવારના રોજ ચાર્જશીટ ખોલવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત સાત અન્ય પ્રતિવાદિઓ, જેઓ અદાણી ગ્રૂપની અક્ષય ઉર્જા એકમની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં નિદેશક છે, તેઓએ લગભગ સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ૨૦૨૦થી ૨૦૨૪ની વચ્ચે ભારત સરકારના અધિકારીઓને કથિત રીતે લગભગ ૨૬૫ મિલિયન ડૉલર (૨૨૦૦ કરોડ રૂપિયા)ની લાંચ આપવા
સહમત થયા હતા. આ કોન્ટ્રાક્ટના કારણે કંપનીને ૨૦ વર્ષમાં બે અબજ ડૉલરનો ફાયદો થવાની આશા હતી. આ સમગ્ર મામલો સૌર ઊર્જા પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. ડિસેમ્બર ૨૦૧૯થી જુલાઈ ૨૦૨૦ વચ્ચે ભારત સરકારની માલિકીની કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ બે કંપનીઓ માટે લેટર ઓફ એવોર્ડ આપ્યા હતા. તેમાંથી એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. છે, તો બીજી મોરેશિયસની છે. ભારત સરકારે આ બંને કંપનીને કુલ ૧૨ ગીગા વોટ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી હતી. તેમાંથી ૮ ગીગા વોટ અદાણીની કંપની દ્વારા અને ૪ ગીગા વોટ સૌર ઊર્જા એઝ્યુર કંપની ઉત્પાદન કરવાની હતી. તે સમયે અદાણી જૂથે આ કરારને વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા કરાર ગણાવ્યો હતો. જો કે, બાદમાં આ સમજૂતી તેમના માટે પડકાર બની ગઈ અને હવે તે સંકટ લઈને આવી છે.
હવે અમેરિકામાં ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાની લાંચ જે તે સરકારી અધિકારીઓને ઓફર કરી હતી. જેના કારણે બંને કંપનીઓને વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ વચ્ચે ઘણી રાજ્ય સરકારો પાસેથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટ્સ મળી ગયા હતા. જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢની સરકારોનો ઉલ્લેખ છે. એઝ્યુર કંપની ૬૩૮ કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી,. જ્યારે ગૌતમ અદાણીની કંપનીને લગભગ ૧.૫ હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી. લાંચનો સૌથી મોટો હિસ્સો લગભગ રૂ. ૨૦૨૯ કરોડ આંધ્ર પ્રદેશના અધિકારીઓને મળ્યો હોવાનો આરોપ છે. આંધ્ર પ્રદેશના અધિકારીને આ લાંચ કેમ અપાઈ છે, એ સમજી શકાય એમ છે.
અમેરિકન એટર્ની બ્રાયન પીસે બુધવારના રોજ આરોપોની જાહેરાત કરતા એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પ્રતિવાદિઓ પર આરોપ છે કે, તેઓએ અબજો ડૉલરનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે એક યોજના બનાવી હતી અને યોજના અંગે ખોટું બોલ્યા હતા, કારણ કે તેઓ અમેરિકનો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’