Surat,તા.15
સુરતના હીરાબજારમાંથી રોજેરોજ હીરા અને સોનાનો જથ્થો લઈ સુરતથી વડોદરા જતી બસને હાઇજેક કરી લૂંટવા ભેગા થયેલા રીઢા ગુનેગાર, ગ્વાલીયરના જેલ સિપાઈ સહિત છ ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તેઓ લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ ઝડપી લીધા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચે યોજનામાં સામેલ અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ઓપરેશન હાથ ધરી કડોદરા સારોલી રોડ ઉપર એક કારને આંતરી તેમાંથી રીઢા ગુનેગાર જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખને ઝડપી પાડી તેમની પાસેથી બે પિસ્તોલ, એક સ્પેર મેગઝીન, બે મીરચી સ્પ્રે, રેમ્બો છરો કબજે કર્યા હતા/ક્રાઈમ બ્રાન્ચે તેમની પુછપરછના આધારે કડોદરા તાંતીથૈયા મહાદેવનગર રેસીડન્સીના એક ભાડાના મકાનમાં રેડ કરી ત્યાંથી ગ્વાલીયર જેલમાં સિપાઈ તરીકે નોકરી કરતા રાજેશ સુબેદારસીંગ પરમાર, રહીશખાન સૌરબખાન ખાન, ઉદયવીરસીંગ રાજબહાદુરસીંગ તોમર, વીજય લાલતા મેનબંસીને પણ ઝડપી લઈ તેમની પાસેથી વધુ એક પિસ્તોલ, એક તમંચો, 36 કારતુસ અને અલગ અલગ જગ્યાએ રેકી કરેલી તેની નોંધ તથા નકશા સાથેની નોટબુક કબજે કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ ઉપરાંત તેમની પાસેથી છ મોબાઈલ ફોન, ત્રણ વાઇફાઇ ડોંગલ, લોખંડનું પકડ, એક ધારદાર કટર, ઇલેકટ્રીક વજનકાટા, ત્રણ બુકાની માસ્ક, મધ્યપ્રદેશ જેલ પોલીસનું રાજેશ પરમારનું આઇડી કાર્ડ મળી કુલ રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિવિધ રાજ્યોમાં ગુના કરનાર રીઢા જેમ્સ ઉર્ફે સેમ અલમેડા મકોકા કેસમાં તલોજા જેલમાં જેલવાસ ભોગવતો હતો ત્યારે તેની ઓળખાણ કિલ્લાકુટ પોલીસ સ્ટેશનમાં 20 કિલો ગોલ્ડ લૂંટમાં ઝડપાયેલા ગ્વાલીયરના એક્સ આર્મીમેન રાજેશ પરમાર સાથે થઈ હતી.બંને જેલમાંથી છૂટીને અવારનવાર મળતા હતા.ત્યાર બાદ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે નોકરીએ જોડાયેલા અને હાલ શિવપુર જેલમાં ફરજ બજાવતા રાજેશ પરમારે જેમ્સ અલ્મેડાની મુલાકાત મૂળ મધ્યપ્રદેશના મુરેનાના ઉદયબીરસીગ તોમર સાથે કરાવી હતી.ઉદયબીર અગાઉ સુરતના હીરાઉધોગ સાથે સંકળાયેલ હોય તે અગાઉ અવારનવાર સુરત આવતો જતો હતો અને તે જાણતો હતો કે હીરાબજારમાંથી રોજ રોજ રામ ટ્રાવેલ્સની લકઝરી બસમાં સુરતથી વડોદરા ખાતે મોટા પ્રમાણમાં હીરા તથા સોનાનો માલ હેરફેર થાય છે.
આ ટીપ તેણે જેમ્સ અને રાજેશને આપતા તેમણે સાગરીતો સાથે મળી ઘાતક હથિયારો સાથે મળી રામ ટ્રાવેલ્સની બસને હાઈજેક કરી લૂંટવાની યોજના બનાવી હતી.તે માટે તેના સાગરીતો સુરત આવ્યા હતા અને દોઢ મહિનાથી કડોદરામાં એક મકાન ભાડે રાખી તેમણે રેકી કરી બસની એક એક પળની મુવમેન્ટની માહિતી મેળવી હતી.તે ઉપરાંત સુરત સીટી અને ગ્રામ્ય, વડોદરા, ભરુચ, નવસારીની આંગડીયા પેઢી, હીરાબજાર અને જવેલરી શોપની પણ રેકી કરી હતી.
લૂંટની યોજનામાં તમામ બસમાં પેસેન્જર તરીકે બેસીને બાદમાં હાઇજેક કરવાના હતા અને તે દરમિયાન તેમના અન્ય બે સાગરીત પાછળ બે કારમાં સાથે રહી લૂંટ કર્યા બાદ તમામ તેમાં બેસી ફરાર થઈ જવાના હતા.જોકે, તેઓ તેમની યોજનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જેમ્સ જે કાર સાથે મળ્યો તે પણ પંજાબમાંથી ચોરી હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તેમના અન્ય બે સાગરીતને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.