Gandhinagar,તા.03
ટીબી શોધ અભિયાનના ૧૦૦ દિવસ દરમ્યાન ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા નિક્ષય શિબિર યોજવામાં આવી રહી છે જેમાં શંકાસ્પદોના એક્સરે-ગળફા તથા જરૃરી લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જુદા જુદા વિસ્તારમાં કુલ ૬૦ શિબિરો કરીને ૯,૫૪૦ શંકાસ્પદોનું સ્ક્રિનીંગ કરાયું છે. જે પૈકી કુલ ૫૫ જેટલા ટીબીના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ ૩૫ હજાર જેટલા વ્યક્તિનો તપાસનો ટાર્ગેટ છે.
પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૭ ડિસેમ્બરથી ૧૦૦ દિવસ ટીબી નિર્મુલન અભિયાનની શરૃઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વનરેબલ પોપ્યુલેશન એટલે કે, ૬૦ વર્ષ ઉપરના વ્યક્તિઓ, જુના ટીબીના દર્દીઓ,હાલ સારવાર ચાલુર રહેલા દટીબીના દર્દીઓ તેમજ તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ઉપરાંત ડાયાબીટીસ, હાઇપરટેન્શનના દર્દીઓ તથા ઓછી ઇમ્યુનીટી ધરાવતા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવનાર છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આવા ૩૫ હજાર જેટલા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવાનો ટાર્ગેટ છે. જેમાં આ તમામ વ્યક્તિઓના ગળફાની તપાસ, એક્સ-રેની તપાસ તેમજ જરૃર જણાય તો લેબોટરી ટેસ્ટ પણ કરવામાં આવે છે.
અત્યાર સુધી કોર્પોરેશન વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાં ૬૦થી વધુ નિક્ષય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯,૫૪૦થી વધુ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૮૩૭ તથા ૧૪૭ વ્યક્તિઓનું લેબોરેટરી ટેસ્ટીગ તપાસ કરવામાં આવી હતી. જેમાં નવ વ્યક્તિ ગળફાની તપાસમાં જ્યારે ૨૧ વ્યક્તિ એક્સરેની તપાસમાં જ્યારે ૨૫ વ્યક્તિ સબીએનએનસીમાં પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.