Rajkotતા.09
હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના પ્રશાંતભાઈ કાનાબાર સહિતના વેપારીઓના મુંબઈના થાણેમાં આવેલી એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીએ રૂા.૬૪.૮૦ કરોડ ઓળવી ગયાની અને ત્રણ વર્ષ એગ્રીમેન્ટ મુજબના ૧ અબજ ૯૪ કરોડ નહીં આપી છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી ચાર આરોપીઓને ઝડપી લઈ રિમાન્ડ પર લીધા છે.
જેમાં પ્રવિણ વામન પથારે (ઉ.વ.૩૯, રહે. એ-૧૦ર, શ્રી મોર્યદર્શન બિલ્ડીંગ, બેરેજ રોડ, રમેશવાડી, બદલાપુર, પશ્ચિમ અંબરનાથ, થાણે), હર્ષલ મહાદેવરાવ ઓઝે (ઉ.વ.૪૯, રહે. ૭૦૪-ઓઝોન વેલી બિલ્ડીંગ નં.૯, પુણે રોડ, પારશીકનગર, કાલવા, થાણે), વૈભવ વિલાસરાવ કોટલાપુરે (ઉ.વ.૪૯, રહે. એ-ર૦૪, ગ્રીનએકર-૧, વાઘબીલ નાકા, જીબી રોડ, વિજયનગરી, સેન્ડોઝબાગ, થાણે) અને હિરેન દિલીપભાઈ પટેલ (ઉ.વ.૩૭, રહે. મૂળ નાગપુર, હાલ ફલેટ નં. ૯૦૧, બી-વિંગ, કેમલીયા, વસંત કોશિષ બિલ્ડીંગ, મરોલ (ઈસ્ટ), મુંબઈ)નો સમાવેશ થાય છે.
આ ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાંચના તપાસનીશ પીઆઈ મનોજ ડામોરે આજે કોર્ટમાં રજૂ કરી તા.૧૭મી સુધીના ૯ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ એ.એસ.એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદારો ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ છે.
આ ગુનાના ત્રણ આરોપીઓ સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદિપ સામંત હાલ મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનામાં જેલમાં છે. જેથી આ ત્રણેય આરોપીઓનો ટૂંક સમયમાં જેલમાંથી કબજો મેળવાશે. સાથો-સાથ બાકીના આરોપીઓને ઝડપી લેવાની તજવીજ થઈ રહી છે. એટલું જ નહીં આ સમગ્ર કૌભાંડને કઈ રીતે અંજામ અપાયો તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.
આ તોસ્તાન કૌભાંડ અંગે પોલીસ કમિશ્નરને અરજી થઈ હતી. જેના આધારે ગઈકાલે ગુનો દાખલ થયો હતો. તત્કાળ ક્રાઈમ બ્રાંચની પાંચેક ટીમો મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના જુદા-જુદા સ્થળોએથી ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.