Ahmedabad, તા.૮
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાયા બાદ વિદ્યાર્થીઓને ૬ માર્ચ સુધીની મુદત અપાઈ હતી. જોકે, હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ફોર્મ ભરવાની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર હવે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ૧૧ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ૨૯ માર્ચે પરીક્ષા લેવાશે. ધોરણ-૧થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવી ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ શરૂ કરવામાં આવેલી છે. જેમાં ધોરણ-૯થી ૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્યના ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદ કરીને સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સ્કોલરશીપ પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી ૨૫ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ૬ માર્ચ સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો છે. જે મુજબ હવે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ ૧૧ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૨૯ માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.