Surendranagar,તા.28
૫ાટડી શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં હાર્ડવેરની બે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદ્દનસીબે રાતનો બનાવ હોવાથી જાનહાની ટળી હતી પરંતુ આગને કારણે દુકાનમાં રહેલ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉમિયા કોમ્પલેક્ષમાં ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં મોડીરાત્રે આગ લાગી હતી. ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ થતાં દુકાનના માલીક ચંદ્રસિંહ ધીરૂભા ઝાલા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પાટડી, ધ્રાંગધ્રા તેમજ વિરમગામ ફાયર ફાયટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોડીરાત્રે આગનો બનાવ બનતા સદ્દનસીબે જાનહાની ટળી હતી પરંતુ આગને પગલે બંને દુકાનોમાં રાખેલો માલ-સામાન સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જ્યારે ફાયર ફાયટરની ટીમો દ્વારા અંદાજે ૩ થી ૪ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.