Jamnagar,તા.15
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી એક નાસ્તાની દુકાનમાં ગઈકાલે રાત્રિના સમયે એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા દોડધામ થઈ હતી. ફાયર શાખાની ટુકડીએ દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં સર્વે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી એ-1 નાસ્તા હાઉસ નામની દુકાનમાં ગઈકાલે રાત્રે 11.25 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, અને આગની જવાળાઓ દુકાનની બહાર દેખાવા લાગી હતી. જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
જેથી ફાયર શાખાની ટિમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આગ બુઝાવવાના સમયે પીજીવીસીએલની ટીમ પણ પહોંચી ગઈ હતી, અને વિજ પુરવઠો બંધ કરી દેતાં થોડીવાર માટે ઉપરોક્ત વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. પરંતુ ત્યાર પછી વિજ પુરવઠો પૂર્વવત બનાવી દેવાયો હતો. નવાગામ ઘેડ વિસ્તારમાં ગીચ અને અનેક રહેણાક મકાનો આવેલા હોવાના કારણે ભારે દેકારો થયો હતો, અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા, તેમ જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.